રાજકોટ
News of Tuesday, 13th March 2018

તંત્રની આંખમાં ધુળ નંખાઇ...

મકાનવેરાનાં ૬પ૦ ચેક રીટર્નઃ પ્રજાની તિજોરીમાં ર.૭પ કરોડનો ધુમ્બો

છેલ્લા બે મહીનામાં ૧૫૦ ચેક રિટર્નઃ પ૦ લાખની ખોટઃ તિજોરી તળીયાઝાટક છે ત્યારે કરોડોની નુકશાની માટે કોણ જવાબદાર?

રાજકોટ, તા., ૧૩: મ્યુ. કોર્પોરેશનની આર્થિક કરોડરજ્જુ સમાન મકાનવેરાની આવક માટે તંત્ર દર વર્ષે માર્ચ સ્ટેન્ડીંગમાં મિલ્કતો સીલ, નળકપાત, હરરાજી સહીતની કડક વેરા વસુલાત ઝુંબેશ દિવસ-રાત એક કરીને હાથ ધરી છે. પરંતુ અંતે બધુ દળી દળીને ઢાંકણીમાં જેવી સ્થિતિ સર્જાઇ છે. કેમ કે બાકીવેરા માટે જે ચેક લેવામાં આવ્યા હોય છે તે રિટર્ન થવાની ફરીયાદો વ્યાપક બની છે. આ પ્રકારે ચેક રીટર્ન થવાથી તંત્રને ૧ વર્ષમાં ર.૭પ કરોડનો 'ધુંમ્બો' આવ્યાની ચોંકાવનારી હકીકત ખુલી છે.

કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી ટેકસ બ્રાંચને મિલ્કત વેરાનો વર્ષનો રૂ. રપ૦ થી રપપ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા બાકીદારો પાસેથી વેરો વસુલવા સીલીંગ, નળ જોડાણ કટ્ટ, મિલ્કત જપ્તી તથા હરરાજી સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જાન્યુ.થી માર્ચ મહિનામાં તંત્ર દ્વારા દરરોજ ઝુંબેશ ચલાવવામાં આવે છે.  તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે ત્યારે બાકીદારો ચેક આપી મિલ્કત વેરો ભરપાઇ કરે છે.

આ અંગે તંત્રના સતાવાર સુત્રોમાંથી મળતી માહીતી મુજબ છેલ્લા એક વર્ષમાં તા.૧ એપ્રિલ-ર૦૧૭થી આજ દિન સુધીમાં વેરા શાખાના ૬પ૦ ચેક રીટર્ન થયા  છે. આ ચેક રિટર્ન થવાથી કોર્પોરેશનની તિજોરીમાં રૂ. ર.૭પ કરોડનો ધુંમ્બો લાગ્યો  છે. એટલું જ નહી આ નવા નાણાકીય વર્ષ ન્યુ-ર૦૧૮થી આજ દિન સુધીમાં રૂ. પ૦ લાખના ૧પ૦ ચેક રિટર્ન થયા છે.

આમ વેરા શાખામાં કરોડોનાં ચેક રીટર્ન થતા પ્રજાની તિજોરીમાં થયેલ નુકશાની માટે કોણ જવાબદાર? લોકોમાં ચર્ચાઇ રહયું છે.

નોંધનીય છે કે ચેક રીટર્ન માટે કડક કાનુની જોગવાઇ છે ત્યારે તંત્રની આંખમાં ધુળ નાખનારા આવા લોકો સામે કેમ પગલા નથી લેવાતા?  તેવા સવાલો સાથે 'ચેક રીટર્ન'નું આ રીતસરનું કારસ્તાન હોવાની ચર્ચા પણ જાગી છે.

(4:18 pm IST)