રાજકોટ
News of Tuesday, 13th March 2018

રાજકોટ જીલ્લામાં ૮૦ જેટલા તલાટી પ્રથમ પ્રયત્ને ૮૦ ટકા માર્કસ મેળવી પાસઃ દરેકને પ હજારનું ઇનામ

સરકારે ખાસ પરિપત્ર બહાર પાડયોઃ સામે ફરજ ઉપર રહેલા ૪૦ તલાટીના હજુ પગાર નથી થયાઃ ભારે દેકારો

રાજકોટ તા. ૧૩: તાજેતરમાં તલાટીઓની લેવાયેલ પરીક્ષામાં ૮૦ જેટલા તલાટીઓ એવા છે કે જે પહેલી ટ્રાયલે અને તે પણ ૮૦ ટકા માર્કસ સાથે પાસ થયા છે. આ તમામને ડીટેઇલ પોસ્ટીંગ અપાઇ ગયા છે.

રાજકોટ જીલ્લાના આ તમામ સફળ તલાટીઓ માટે સરકારે ખાસ પરીપર બહાર પાડી ઇનામ આપવાની જાહેરાત કરી છે.

આ પરીપત્રમાં જોગવાઇ છે કે, ૮૦ ટકા કે તેથી વધુ માર્કસ સાથે પાસ થનાર દરેક તલાટીને ખાસ પ હજારનું પ્રોત્સાહક ઇનામ આપવું અને તે સંદર્ભે રાજકોટ જીલ્લાના ૭૯ તલાટીઓને દરેકને જે તે સંબંધિત-વિભાગ ખાતાના વડા દ્વારા પ હજારનું ઇનામ અપાશે, રાજકોટ કલેકટર ઉપર આવા ૮૦ તલાટીઓનું લીસ્ટ આવ્યું છે.આવા રાજકોટ જીલ્લાના તલાટીઓમાં મનીષ ગીધવાણી, ધીરેન પૂરોહીત, એચ. એમ. કોટડીયા, એસ. યુ. ત્રીવેદી, એ. એલ. કુગસીયા, કે. પી. જાડેજા, દિશા ભાગીયા, એસ. ડી. કથીરીયા, એમ. બી. ઝાલા, એચ. જે. જાડેજા સહિત ૮૦ નો સમાવેશ થાય છે.

દરમિયાન હાલ જે ફરજ ઉપર છે, તેમાંથી મહેસૂલ-રેવન્યુના ૪૦ જેટલા તલાટીઓનો ગયા મહિનાનો પગાર નહીં થતા દેકારો મચી ગયો છે, કલેકટર સુધી ફરીયાદો પહોંચી છે, પરંતુ કાંઇ નકકર નિર્ણય હજુ આપ્યો નથી કે જવાબ પણ અપાયો નથી.

(4:15 pm IST)