રાજકોટ
News of Tuesday, 13th March 2018

દેનાબેંક સાથેની ઠગાઇમાં પકડાયેલા હાર્દિકે મુંબઇમાં પણ ૩ કરોડનું કોૈભાંડ આચર્યુ હતું

એયુ ફાયનાન્સ પેઢીમાં તેની કંપનીની લિમીટ ૧II કરોડ હતીઃ ખાતુ હેક કરી આ લિમીટ ૩ કરોડ કરી રોકડ ઉપાડી લીધી'તીઃ રાજકોટમાં કરોડોની પ્રોપર્ટીઃ જયપુરમાં પણ ચિટીંગનો ગુનો હતો

રાજકોટ તા. ૧૩: શહેરના ઢેબર રોડ પરની દેનાબેંક શાખામાંથી રૂ. ૫II કરોડની સીસી લોન મેળવ્યા બાદ મે. કોટેચા ઇન્ડસ્ટ્રીઝ લિ.ના ડિરેકટરો અને જામીનદારોએ મળી કોૈભાંડ આચર્યાની ફરિયાદમાં ક્રાઇમ બ્રાંચે અગાઉ અર્ચિત મનહરલાલ કોટેચા, મનહરલાલ કોટેચાને ઝડપી લીધા હતાં. આ બંને જેલહવાલે થયા બાદ હાર્દિક મનહરલાલ કોટેચાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતાં પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થતાં તેની પુછતાછમાં તેણે મુંબઇમાં એક ફાયનાન્સ કંપનીનું એકાઉન્ટ હેક કરી પોતાની રોકડની લિમીટી ૧II કરોડની હતી તે વધારીને ૩ કરોડની કરી નાણા ઉપાડી લઇ કોૈભાંડ આચર્યાનું પણ બહાર આવ્યું છે.

એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પી.એસ.આઇ. એ.એસ. સોનારા, હેડકોન્સ. મોહનભાઇ મહેશ્વરી, સમીરભાઇ, અનિલભાઇ, રામભાઇ સહિતના સ્ટાફે હાર્દિક કોટેચાની પુછતાછ કરતાં એવી વિગતો ખુલી છે કે તેણે મુંબઇમાં એયુ ફાયનાન્સ પેઢીમાં પોતાનું ખાતુ હોઇ તેમાં દોઢ કરોડની ક્રેડિટ વધારવા એકાઉન્ટ હેક કરી ત્રણ કરોડની ક્રેડિટ કરી રોકડ ઉપાડી લીધી હતી.

આ ઉપરાંત રાજકોટની દેનાબેંકમાંથી સ્મીત ઇન્ડસ્ટ્રીઝના નામે પણ બે કરોડની લોન મેળવી લીધી હતી. જયપુરમાં પણ તેના વિરૂધ્ધ ચિટીંગની ફરિયાદ થઇ છે. તેમજ મુંબઇમાં ચેક રિટર્નનો ગુનો પણ નોંધાયો છે. મુંબઇમાં એયુ ફાયનાન્સના કર્મચારીઓ ઉઘરાણી માટે ઘરે આવે તો તે પોલીસને બોલાવી પોતાને હેરાન કરવામાં આવતાં હોવાની ફરિયાદ કરી દેતો હતો.  પોલીસ સુત્રોના કહેવા મુજબ રાજકોટમાં પિતા-પુત્રોની કરોડોની મિલ્કતો પણ છે.  તપાસમાં બીજા દસ-બાર કરોડના કોૈભાંડ પણ બહાર આવતાં વિશેષ તપાસ થઇ રહી છે.

(4:08 pm IST)