રાજકોટ
News of Tuesday, 13th March 2018

મોટા મવા શ્યામ પાર્કમાં લેઉવા પટેલ પ્રોૈઢા જયાબેન કોરાટનો ગળાફાંસો ખાઇ આપઘાત

આઠેક વર્ષથી બિમારી હતીઃ કંટાળીને પગલુ ભર્યુઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૩: મોટા મવાની શ્યામ પાર્ક સોસાયટીમાં કનૈયા હોલ સામે રહેતાં જયાબેન ભવાનભાઇ કોરાટ (ઉ.૫૧) નામના લેઉવા પટેલ મહિલાએ પંખાના હુકમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. આઠેક વર્ષથી કમરની તકલીફ તેમજ મગજની તકલીફ હોઇ કંટાળીને આ પગલુ ભર્યાનું બહાર આવ્યું છે.

જયાબેને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ મારફત થતાં તાલુકા પોલીસ મથકના એએસઆઇ આર. બી. જાડેજા અને રાઇટર દિવ્યરાજસિંહે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. સવારે દેરાણી ફળીયુ વાળતા હતાં ત્યારે ઉપરના રૂમમાં નજર પડતાં ભાભીને લટકતા જોતાં દેકારો મચાવ્યો હતો. ઘરના સભ્યો ભેગા થઇ ગયા હતાં અને ૧૦૮ બોલાવી હતી. તેના ઇએમટીએ તેમને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનારને સંતાનમાં બે પુત્રો જતીનભાઇ અને ધર્મેશભાઇ છે. પતિ બાંધકામનો વ્યવસાય ધરાવે છે. બિમારીથી કંટાળીને પગલું ભર્યાનું બહાર આવ્યું છે.

(4:06 pm IST)