રાજકોટ
News of Tuesday, 13th March 2018

ઘરેલુ હિંસાની ફરિયાદ અન્વયે ભરણ પોષણ-ઘરભાડા રકમ ચુકવવાનો હુકમ

રાજકોટ તા.૧૩: રાજકોટના રહીશ એકતા અહલુવાલીયાએ તેના પતિ રાજ જસબીરસિંહ અહલુવાલીયા સામે ધ પ્રોટેકશન ઓફ વુમન ફોમ ડોમેસ્ટીક વાયોલન્સ એકટ અન્વયે રાજકોટ કોર્ટમા ફરીયાદ દાખલ કરેલ હતી.

ફરીયાદીની વિગત મુજબ બંને પક્ષકારોએ પ્રેમલગ્ન કર્યા બાદ અરજદાર અમદાવાદ સામાવાળાના સંયુકત રહેણાંકના મકાને રહેવા ગયેલ. સામાવાળા સંયુકત કુટુંબમાં જે મકાનમાં રહે છે તે અમદાવાદના પોશ એરીયામાં શિવરંજની સોસાયટી, સેટેલાઇટ વિસ્તારમાં આવેલ છે. અને તે આશરે ૫૦૦ વારનો બંગલો છે. વિશેષમાં તેઓ પેંઇગ ગેસ્ટ તરીકે સ્ટુડન્ટસને રાખી પ્રતિમાસ રૂ.૧,૦૦,૦૦૦/- અને રીયલ એસ્ટેટ બ્રોકર તરીકેની કામગીરી કરી રૂ.૭૦,૦૦૦/ કમાય છે તેમ જણાવીને ભરણ પોષણની માંગણી કરી હતી.

ડોમેસ્ટીક વાયોલન્સ બાબતે તથા તે અન્વયે મળવાપાત્ર રક્ષણ મેળવવા બાબતે રાજકોટ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ. જે ફરીયાદ સૌપ્રથમ પ્રોટેકશન ઓફીસરને રીફર કરવામાં આવેલ અને પ્રોટેકશન ઓફીસર દ્વારા ફરીયાદને સમર્થન પ્રાપ્ત થાય તેવી વિગતોવાળો રીપોર્ટ રજુ કરેલ. જેથી કોર્ટે બંને પક્ષકારોને સાંભળી ફરીયાદની વિગતો ચકાસી ફરીયાદ મુજબની વિગતો પુરવાર થતી હોય, તેવું જણાતા આદેશ કરેલ છે કે, સામાવાળા તથા તેના માતા પિતાએ અરજદાર સાથે કૌટુંબીક હિંસાનુ કાર્ય જાતે કે કોના મારફત કરવું કરાવવું નહી, બળપ્રયોગ કરવો નહી અને સામાવાળાએ માસીક ભરણપોષણ પેટે રૂ.૫,૦૦૦ તથા ઘરભાડુ રૂ.૫,૦૦૦ દર માસે અરજદારને ચુકવવું તેવો આદેશ કરેલ છે.

આ કામમાં અરજદાર એકતા અહલુવાલીયા વતી વિકાસ કે.શેઠ, અલ્પા વિ.શેઠ, વિવેક ધનેશા, વિપુલ આર.સોંદરવા, અક્ષય જી.ઠેસીયા એડવોકેટ દરજજે રોકાયેલા છે.

(3:49 pm IST)