રાજકોટ
News of Tuesday, 13th March 2018

કાજલને ભગાડ્યા પછી હત્યાના ભયથી મુકેશભાઇએ ગામ છોડ્યું'તું: ગઇકાલે રાજકોટ આવ્યા ને લોથ ઢળી

કડીયા આધેડ મુકેશભાઇ વાળાને 'મૈત્રીકરાર'એ 'મોત' દીધું: પ્રેમિકાના ભાઇએ કરી ક્રુર હત્યાઃ કેદારનાથના ગેઇટ પાસે છરીના ખચાખચ ઘા ઝીંકી દીધા : પોતાની પત્નિ સંતાનસુખ આપી શકે તેમ ન હોઇ પત્નિને જાણ કરીને ગોવિંદનગરના ૪૬ વર્ષના આધેડે ૨૪ વર્ષની કોળી યુવતિ સાથે પ્રેમસંબંધ બાંધ્યોઃ તેણીને ભગાડી ત્યારે પત્નિ પણ સાથે હતીઃ પરત આવ્યા બાદ સતત મોતનો ભય સતાવતો હતો એ સાચો ઠર્યો : ઝપાઝપીમાં હત્યારા વિશાલને પણ હાથમાં તેની જ છરી લાગી જતાં સારવાર હેઠળ

મુકેશભાઇ વાળાનો નિષ્પ્રાણ દેહ, વિગતો જણાવતાં તેના પત્નિ અને મુકેશભાઇનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૩: ગઇકાલે નાના મવા રોડ પર થયેલી દલિત યુવતિની હત્યામાં આરોપીની પોલીસે પકડ્યો ત્યાં સાંજે કોઠારીયા રોડ પર કેદારનાથ સોસાયટીના ગેઇટ પાસે ગોવિંદનગર મેઇન રોડ પર માધવ હોલ પાછળ રહેતાં મુકેશભાઇ મોહનભાઇ વાળા (ઉ.૪૬) નામના કડીયા આધેડની ક્રુર હત્યા થઇ હતી. આ આધેડના પત્નિ સંતાનસુખ આપી શકે તેમ ન હોઇ તેણે ૨૪ વર્ષની કોળી યુવતિ કાજલ સાથે મૈત્રીકરાર કર્યા હતાં. આ પ્રેમિકાને તે ભગાડી ગયા ત્યારે સાથે પત્નિ પણ સામેલ હતી. પરત આવ્યા બાદ તેને યુવતિના પરિવારજનો તરફથી સતત મોતનો ભય સતાવતો હતો. આ ભયને લીધે છ દિવસથી પતિ-પત્નિએ ગામ મુકી દીધુ હતું. ગઇકાલે પરત રાજકોટ આવ્યા ત્યાં જ તેની લોથ ઢળી હતી અને ભય સાચો ઠર્યો હતો. કાજલના પિત્રાઇ ભાઇ ઢેબર કોલોનીમાં રહેતાં વિશાલ કાળુભાઇ ચૌહાણ (કોળી) (ઉ.૨૦)એ મુકેશભાઇને છરીના ઘા ઝીંકી રહેંસી નાંખતાં તેના માટે મૈત્રીકરાર મોત સાબિત થયા છે. વિશાલે કહ્યું હતું કે એક તો મુકેશ મારી બહેનને ભગાડી ગયો હતો અને ગઇકાલે પાછો તેના વિશે જેમ તેમ બોલતો હતો, એટલે મેં તેને મારી નાંખ્યો હતો.

હત્યાની ઘટનામાં ભકિતનગર પોલીસે હત્યાનો ભોગ બનનાર મુકેશભાઇ વાળાના પત્નિ અમિતાબેન વાળા (ઉ.૩૯) (રહે. ગોવિંદનગર મેઇન રોડ શેરી નં. ૫)ની ફરિયાદ પરથી વિશાલ ચૌહાણ (કોળી) સામે આઇપીસી ૩૦૨, ૧૩૫ મુજબ ગુનો નોંધી તેને દબોચી લીધો છે. અમિતાબેને જણાવ્યું છે કે મારા પતિ કડીયા કામ કરતાં હતાં. મારા લગ્નને ૨૧ વર્ષ જેટલો સમય થયો છે. પણ ગર્ભાશયમાં ગાંઠ હોઇ જેથી સંતાન નથી. આ કારણે મારા પતિ અવાર-નવાર બીજા લગ્ન કરવા છે તેવી વાત મને કરતાં હતાં.

ગયા વર્ષે ભાદરવા મહિનામાં પતિ મુકેશ વાળાએ ઢેબર કોલોનીમાં રહેતાં મુકેશભાઇ ચૌહાણ (કોળી)નું ઘર પાડીને નવુ બનાવાવનું કામ રાખ્યું હતું. એ વખતે જ મારા પતિને મુકેશભાઇની દિકરી કાજલ જે ૨૪ વર્ષની છે તેની સાથે ઓળખાણ થઇ ગઇ હતી. તેણે મને વાત કરી હતી કે કાજલ સાથે લગ્ન કરવા છે. આ બાબતે અમારી વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. દરમિયાન ૧/૩/૧૮ના રોજ હોળીના દિવસે જ પતિએ મને કહેલ કે કાજલનો ફોન આવેલ છે અને તને પણ સાથે લઇ જવાની છે. આ વાત બાદ અમે બંને ઢેબર કોલોનીમાં જતાં કાજલ બહાર આવી હતી અને મારા પતિને કહેલ કે 'હું તમારી સાથે જ રહેવાની છું'. એ પછી હું, મારા પતિ અને કાજલ રાજકોટથી ઉંચાકોટડા, તળાજા સહિતના ધાર્મિક સ્થળોએ ફર્યા હતાં. ૬/૩ના રોજ પતિ અને કાજલે સાવરકુંડલામાં નોટરી સમક્ષ લિવ ઇન રિલેશનશિપના કરાર કર્યા હતાં. એ પછી અમે અલગ-અલગ જગ્યાએ ફર્યા હતાં.

૧૦/૩ના રોજ ભકિતનગર પોલીસ મથકમાંથી મારા પતિને ફોન આવેલ કે કાજલ ગૂમ થયાની જાણ તેના પરિવારે કરી છે. તમારી સાથે કાજલ હોય તો પોલીસ મથકે આવી જાવ. આથી અમે પોલીસ મથકમાં હાજર થતાં ત્રણેયના નિવેદન લેવાયા હતાં. કાજલ તેના ભાઇઓ અને મમ્મીની સમજાવટથી તેઓની સાથે જતી રહી હતી. એ પછી મારા પતિને સતત બીક લાગતી હતી કે હવે તેને કાજલના ભાઇઓ મારી નાંખશે. આથી અમે રાજકોટ મુકી બહારગામ જતાં રહ્યા હતાં. ત્યારબાદ ગઇકાલે જ એટલે કે ૧૨મીએ સોમવારે જ અમે બહારગામથી રાજકોટ સવારે અગિયારેક વાગ્યે આવ્યા હતાં. બપોરે અઢી ત્રણ વાગ્યે કાજલના મોટા બાપુનો દિકરો વિશાલ કાળુભાઇ ચૌહાણ અમારી ઘરે આવ્યો હતો અને મારા પતિ સાથે એકાદ કલાક બેસી વાતચીત કરી હતી. તેણે એવું કહ્યું હતું કે તમે મારી બહેનની ભગાડી ગયા તે સારુ ન કહેવાય, આવુ ન કરાય. આ પછી પોણા ચારેક પછી વિશાલ અને મારા પતિ ઘરેથી નીકળ્યા હતાં. વિશાલ પાસે એકટીવા હતાં અને મારા પતિ પાસે બાઇક હતું.

એ પછી સાંજે સાડા પાંચેક વાગ્યે મને પોલીસનો ફોન આવ્યો હતો કે તમારા પતિે કેદારનાથના ગેઇટ પાસે છરીના ઘાથી ઇજા થઇ છે અને હોસ્પિટલે છે. મને હોસ્પિટલે લઇ જતી વખતે પોલીસે સીસીટીવી ફૂટેજ મોબાઇલમાં બતાવતાં વિશાલ કોળી હુમલો કરતો જોવા મળ્યો હતો જેને હું ઓળખી ગઇ હતી. હોસ્પિટલે જોતાં મારા પતિ લોહીલુહાણ પડેલા અને પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયેલી હાલતમાં જોવા મળ્યા હતાં. તેનું મોત થઇ ગયાનું ડોકટરે કહ્યું હતું. મારા પતિએ વિશાલ કોળની તેની પિત્રાઇ બહેન સાથે મૈત્રીકરાર કર્યા હોઇ તે કારણે ખાર રાખી તેણે હત્યા કરી હતી.

પી.આઇ. વી. કે. ગઢવી, પી.એસ.આઇ. આર. સી. રામાનુજ, નિલેષભાઇ મકવાણા, ઇન્દુભા રાણા, સલિમભાઇ, ભાવેશભાઇ, દેવાભાઇ સહિતની ટીમે હત્યા કરી ભાગેલા વિશાલને ઝડપી લીધો હતો. તેના હાથના આંગળાઓમાં પણ ઇજા પહોંચી હોઇ તેને સારવાર માટે દાખલ કરાયો છે. મુકેશભાઇ પર હુમલા વખતે ઝપાઝપીમાં ઇજા થઇ હતી. વિશાલે કહ્યું હતું કે એક તો મુકેશ મારી બહેનને ભગાડી ગયો હતો અને માથે જતાં તેના વિશે જેમ તેમ બોલતો હતો. એ કારણે મેં હત્યા કરી હતી. પોલીસ તેને હોસ્પિટલમાંથી રજા અપાયે વિશેષ પુછતાછ કરશે.

હત્યાનો ભોગ બનનાર મુકેશભાઇ બે ભાઇમાં નાના હતાં. મોટા ભાઇ સુરત રહે છે. જ્યારે હત્યા નિપજાવનાર વિશાલ બે ભાઇ અને એક બહેનમાં નાનો છે અને રિક્ષાચાલક છે. તેની ઓળખ પરેડ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરાઇ છે.

(4:23 pm IST)