રાજકોટ
News of Tuesday, 13th February 2018

ગીતાનગરમાં રોજ પ્રદુષિત પાણીની રેલમછેલથી લોકો ત્રાહીમામઃ ચક્કાજામ

ગંદાપાણીનાં નિકાલ માટે લોકોએ કરેલી વ્યવસ્થાનો પાળો તોડવા કાર્યવાહી થતા લોકરોષ જાગ્યોઃ વોર્ડ નં.૧૩નાં કોગીં કોર્પોરેટર જાગૃતિબેન દ્વારા આ સમસ્યા ઉકેલવા ઉગ્ર રજૂઆતો

રાજકોટ, તા., ૧૩: શહેરનાં વોર્ડ નં. ૧૩માં આવેલ ગીતાનગર-ખોડીયારનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદાપાણીની રેલમછેલ થઇ રહી છે. ત્યારે લોકોએ કરેલી વ્યવસ્થાનો પાળો તોડવા તંત્ર દ્વારા આજે કાર્યવાહી કરવામાં આવતા વિસ્તારવાસીઓએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શીત કર્યો હતો. બાદ અંતે પાળો તોડવામાં આવ્યો હતો. આ સમસ્યા ઉકેલવા વોર્ડ નં. ૧૩ ના કોંગી કોર્પોરેટર જાગૃતીબેન દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.

આ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ શહેરના વોર્ડ નં. ૧૩ માં આવેલ ગીતાનગર -ખોડીયારનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભુગર્ભ ગટર છલકાવાના કારણો  રસ્તાઓ પર ગંદા પાણીની રેલમછેલમ જોવા મળી રહી છે. આ સમસ્યા ઉકેલવા વોર્ડ નં. ૧૩ ના કોંગી કોર્પોરેટર જાગૃતીબેન દ્વારા અવાર-નવાર ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી. તંત્ર દ્વારા આ સમસ્યા ઉકેલવામાં નહિ આવતા વિસ્તારવાસીઓ ગંદા પાણીના નિકાલ માટે પાયાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

વધુમાં પ્રાપ્ત થયેલ વિગતો મુજબ આ પાળાની જાણ કોર્પોરેશનને થતા આજે બપોરે વિજીલન્સ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પાળો તોડવા કાર્યવાહી કરવામાં આવતા વિસ્તારવાસીઓનો લોક રોષ જોવા મળ્યો હતો. થોડો સમય ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શીત કરવામાં આવ્યો હતો. લતાવાસીઓ અને કોર્પોરેશનના અધિકારીઓએ વચ્ચે ઉગ્ર માથાકુટના દ્રશ્યો સર્જાયા હતા. બાદમાં મામલો થાળે પડયો હતો અને તંત્ર દ્વારા પાળો તોડવામાં આવ્યો હતો.

(4:29 pm IST)