પોલીસને જોઇ બુટલેગરે એકટીવા ભગાવ્યું: પીછો થતાં અગાસીએ ચડી ઠેંકડો મારતાં હાથ ભાંગ્યો
ભાવનગર રોડ પર રહેતો અજય ઉર્ફ ભઇકુ હોસ્પિટલના બિછાનેઃ અગાસીએથી છલાંગ મારતાં હાથ ભાંગ્યોઃ થોરાળા પોલીસના કોન્સ. રોહિત કછોટે ૧૨ બોટલ દારૂ અને એકટીવા કબ્જ કર્યુ
રાજકોટ તા. ૧૩: થોરાળા પોલીસે ભાવનગર રોડ વિજયનગર-૫ના ખુણેથી એકટીવામાં દારૂની પેટી રાખીને નીકળેલા વિજયનગરના કોળી શખ્સ અજય ઉર્ફ ભઇકુ મનુભાઇ રાતોજા (ઉ.૨૨)નો પીછો કરતાં તેણે વાહન ભગાવી મુકતાં પોલીસમેન રોહિતભાઇ કછોટે ફિલ્મી ઢબે પીછો કરતાં તે ભાગમભાગ બાદ આજી ઓૈદ્યોગિક ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ મેઇન રોડ પર આવેલા એક કારખાના પાસે વાહન રેઢુ મુકી અગાસીએ ચડી જતાં અને ત્યાંથી બચવા માટે ઠેંકડો મારી જતાં હાથ ભાંગી જતાં હોસ્પિટલના બિછાને પહોંચ્યો છે. પોલીસે ૧૨ બોટલ દારૂ અને ૪૮ હજારનું એકટીવા મળી કુલ ૫૪ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં પી.એસ.આઇ. આર.એમ. કોટવલા, ફિરોઝભાઇ શેખ, જાહીરખાન ખફીફ, રોહિતભાઇ કછોટ, ધર્મેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એક શખ્સ એકટીવામાં શંકાસ્પદ રીતે નીકળતાં કોન્સ. રોહિતભાઇ અને ધર્મેન્દ્રસિંહએ અટકાવવા પ્રયાસ કરતાં તેણે વાહન ભગાવી મુકતાં તેનો પીછો કરાયો હતો. એ દરમિયાન તે ભાગીને આજી ઇન્ડસ્ટ્રીઝ પાસેના એક કારખાનામાં ઘુસી જતાં પોલીસમેન પાછળ દોડતાં તે કારખાનાની અગાસીએ ચડી ગયો હતો અને ત્યાંથી ભાગી છૂટવા ઉપરથી ઠેંકડો મારતાં ડાબો હાથ ભાંગી ગયો હતો. તેની સામે ગુનો નોંધી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. ત્યાંથી રજા અપાયે ધરપકડ થશે. આ શખ્સ અગાઉ મારામારીના ગુનામાં પણ પકડાઇ ચુકયાનું પોલીસે કહ્યું હતું.