સત્ય સાઇ રોડ પર બે બાઇક સામ-સામે અથડાતાં દંપતિ સહિત ૩ ઘવાયા
હિરેન દોશી પત્નિ અને પુત્રીને લઇને શાળાના ફંકશનમાં જતાં'ત ત્યારે બનાવ
રાજકોટ તા. ૧૩: સત્યા સાઇ હાર્ટ હોસ્પિટલ રોડ પર વણિક દંપતિ પોતાની ૧૦ વર્ષની પુત્રીને બાઇકમાં બેસાડી ધોળકીયા સ્કૂલ ખાતે ફંકશનમાં જઇ રહ્યું હતું ત્યારે સામેથી બીજુ બાઇક અથડાતાં પતિ-પત્નિ બંનેને ઇજા થઇ હતી. પુત્રીનો બચાવ થયો હતો. સામેના બાઇક ચાલકને પણ ઇજા થતાં ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
જાણવા મળ્યા મુજબ સત્ય સાઇ રોડ પર સત્ય સાઇ એપાર્ટમેન્ટમાં રહેતાં અને ઇલેકટ્રીકનું કામ કરતાં હિરેનભાઇ નરેન્દ્રભાઇ દોશી (ઉ.૩૬) સાંજે પોતાની દિકરી દિયા (ઉ.૧૦)ને સ્કૂલમાં ફંકશન હોઇ તેને તથા પત્નિ મિતલબેન (ઉ.૩૨)ને બાઇકમાં બેસાડી ઘરેથી સ્કૂલ તરફ જતાં હતાં ત્યારે સત્ય સાઇ રોડ પર સામેથી એક બાઇક અથડાતાં ત્રણેય ફંગોળાઇ ગયા હતાં. જેમાં તેની પુત્રીનો બચાવ થયો હતો. જ્યારે પતિ-પત્નિને ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયા હતાં.
સામેના બાઇકનો ચાલક કમલેશ મનાજીભાઇ વણઝારા (ઉ.૨૩-રહે. મારૂતિ ચોક) પણ સારવાર માટે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ અને રવિભાઇ ગઢવીએ તાલુકા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)