રાજકોટ
News of Wednesday, 12th December 2018

કલેકટર કચેરીમાં આધારકાર્ડ કાઢવાનું બંધઃ પગાર ન થતા કોન્‍ટ્રાકટ કર્મચારી કામ છોડી ભાગી ગયો!!

એડી. કલેકટર ચોંકી ઉઠયાઃ ૮ દિ'માં આધારકાર્ડ કાઢવાનું શરૂ કરવા આદેશ

રાજકોટ તા. ૧રઃ રાજકોટ નવી કલેકટર કચેરી ખાતે આધારકાર્ડ કાઢવાનું બંધ કરી દેવાતા અરજદારોમાં મોટો દેકારો બોલી ગયો છે, આ બાબતે એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાને ફરીયાદો કરાતા તેઓ પણ ચોંકી ઉઠયા હતા, અને ૮ દિ'માં કલેકટર કચેરીમાં જન સેવા કેન્‍દ્રમાં જ આધાર કાર્ડ કાઢવાનું કામ અને સુધારા-વધારાનું કામ શરૂ કરી દેવા આદેશો કર્યા હતા.

કલેકટર કચેરીમાં જનસેવા કેન્‍દ્રમાં આધારકાર્ડ નીકળતા હતા, ૮માં કોન્‍ટ્રાકટ ઉપર કોટડાસાંગાણીનો કર્મચારી હતો, પરંતુ તેનો પગાર નહીં થતા તે કામ છોડી જતો રહેતા કામ બંધ થઇ જતા દેકારો બોલી ગયો હતો.

અત્રે એ નોંધનીય છે કે, શહેરમાંરાજકોટ મહાનગરપાલીકા અને પોસ્‍ટ ઓફિસમાં આધારકાર્ડ કાઢવાનું કામ ચાલુ છે, જયારે જીલ્લામાં જેતપુર, ઉપલેટા, ધોરાજી, કોટડાસાંગાણી, લોધીકા, જસદણ તથા વિંછીયામાં કીટો રખાઇ છે. આધારકાર્ડ કાઢવાનું કામ કરતા ઓપરેટરોના નામ ગાંધીનગર-દિલ્‍હી મોકલાયા છે, ત્‍યાંથી મંજુરી મળ્‍યા બાદ જ ઓપરેટર કામ કરી શકે છે, મંજુરીમાં બહુ વિલંબ થતો હોય કોન્‍ટ્રાકટ ઉપર રહેલા કર્મચારીઓ કામ છોડી જતા હોવાની પણ ફરીયાદો ઉઠી છે.

(5:35 pm IST)