રાજકોટ
News of Tuesday, 12th November 2019

નૂતન નંદાલય શ્રી વલ્લભાશ્રય હવેલીમાં પાટોત્સવનો પ્રારંભ

રાજકોટ : રોયલ પાર્ક સ્થિત શ્રી કૃષ્ણાશ્રય હવેલીના ષષ્ઠમગૃહ યુવા વૈષ્ણવાચાર્ય પુ.પા.ગો. શ્રી અભિષેકકુમારજી મહારાજ દ્વારા તેમના પિતૃચરણ નિ.લી. ગો.પૂ.પા.શ્રી કનૈયાલાલજી મહારાજ દ્વારા પ્રેરીત શ્રી વલ્લભાશ્રય હવેલીનું છેલ્લા ૩ વર્ષથી નિર્માણ કાર્ય ચાલી રહ્યુ હતુ. બેનમુન સ્થાપત્ય કલાના પ્રતિકસમાન આ નુતન નંદાલય (વલ્લભાશ્રય હવેલી) ના પ્રારંભ અવસરે પાટોત્સવનો આજથી પ્રારંભ થયો છે. શ્રી ગુંસાઇજીના નિધી- શ્રી બાલકૃષ્ણ પ્રભુ (યુગલ) તેમજ શ્રી રમણલાલજી મહારાજ શ્રી (મથુરા કાલોલ) ના સેવ્ય શ્રી ગોવર્ધનધરણ પ્રભુનો પાટોત્સવ યોજવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે નિધિ સ્વરૂપોની શોભાયાત્રા બન્ને યુવા આચાર્યશ્રી, ગો.ચિ.બાલન અને સમગ્ર જનાના સ્વરૂપો સાથે સેંકડો વૈષ્ણવોની ઉપસ્થિતીમાં સવારે કૃષ્ણાશ્રય હવેલીએથી નીકળી નુતન નંદાલય શ્રી વલ્લભાશ્રય હવેલી શિતલ પાર્ક, ૧૫૦ રીંગ રોડ ખાતે પહોંચી હતી. સંકીર્તન, વધાઇ ગાન સાથે પ્રભુના જયઘોષથી માર્ગો ગજાવાયા હતા. શોભાયાત્રા બાદ નિધિ સ્વરૂપોના પલના દર્શન ખુલ્લા મુકાયા હતા. ગઇકાલે સાંજે બડોમનોરથ (છપ્પનભોગ) દર્શનનો પણ વૈષ્ણવોએ બહોળી સંખ્યામાં લ્હવો લીધો હતો. આજે સાંજે પણ નિધિ સ્વરૂપોને છપ્પનભોગ દર્શન ખુલ્લા મુકાશે. આવતીકાલ સુધી આ મનોરથ દર્શનનો લ્હાવો લઇ શકાશે. પાટોત્સવ અંતર્ગત આજે સાંજે ૭.૩૦ વાગ્યે પ્રભુને જર્દોશીના બંગલામાં રાજદરબાર-મનોરથ દર્શન પ્રાપ્ત થશે. આજથી છ દિવસ સુધી પાટોત્સવ ઉજવાશે. દરરોજ સાંજે નિત્ય લીલા શ્રી કૃષ્ણ લીલાનું રસપાન કરાવાશે. વૈષ્ણવોએ લાભ લેવા પાટોત્સવ સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.

(4:18 pm IST)