રાજકોટ
News of Tuesday, 12th November 2019

કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ ધણી-ધોરી વગરનો ?!

આરોગ્ય અધિકારીની જગ્યા પણ વર્ષથી ખાલી : એક નાયબ આરોગ્ય અધિકારીએ રાજીનામું આપી દીધું એક લાંબી રજા ઉપર ઉતરી ગ્યા હાલ ૧પ લાખની વસતી માત્ર ૧ અધિકારીનાં હવાલે : સેટઅપ મુજબ સાત-અધિકારીઓની જગ્યા ખાલી

રાજકોટ, તા. ૧ર : હાલમાં શહેરમાં મચ્છરજન્ય રોગ ચાળાએ માથુ ઉંચકયુ છે. ત્યારે મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગની સ્થિતિ ધણી-ધોરી વગરના જેવી થઇ છે કેમકે મુખ્ય આરોગ્ય અધિકારીઓની જગ્યા ૩ વર્ષથી ખાલી છે ૩ નાયબ આરોગ્ય અધિકારીઓથી ગાડુ ગબડાવાતુ હતું તેમાં પણ એક લાંબી રજા ઉપર ઉતરી  ગયા છે અને અંતે તાજેતરમાં રાજીનામુ ધરી દીધું છે હવે માત્ર ૧ નાયબ આરોગ્ય અધિકારીનાં હવાલે ૧પ લાખની વસ્તીનું આરોગ્ય તંત્ર છે. રાજકોટ મહાનગરપાલિકામાં ૧૫ લાખ લોકોના આરોગ્યની જવાબદારી માટે દસ વરસ જૂનું અધિકારીનું સેટઅપ છે.

જેમાં   આરોગ્ય અધિકારી એક  ચાર નાયબ આરોગ્ય અધિકારી  એક આરસીએચઓ અધિકારી  એક રોગ નિયંત્રણ અધિકારી એટલે કે એપી લોજીસ્ટ.

અગાઉ મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પંડયાએ ૩ વર્ષ થી રાજીનામું આપ્યા છતાં આરોગ્ય અધિકારીની સ્ટેચ્યુટરી પોસ્ટ ખાલી છે. ત્યારેથી નાયબ આરોગ્ય અધિકારીઓથી ગાડુ ગબડાવશે. હાલમાં નાયબ આરોગ્ય અધિકારી ડોકટર વિરાણી એ પણ રાજીનામું આપેલ છે.

આજની તારીખે,એક આરોગ્ય અધિકારી, ત્રણ નાયબ આરોગ્ય અધિકારી, એક રોગ નિયંત્રણ અધિકારી, તથા આરસીએચઓ ની એમ કૂલ સાત જગ્યામાંથી છ જગ્યા ખાલી છે હાલમાં સાતે સાત જગ્યાનું કામગીરી નાયબ આરોગ્ય અધિકારી ડોકટર રાઠોડ ના ભાગે આવેલ છે.  આટલો રોગચાળો હોવા છતાં રોગ નિયંત્રણ અધિકારી ની જગ્યા ભરવાનું કોઇ વિચારતું નથી. ૨૧ આરોગ્ય કેન્દ્ર ના સંચાલન તથા તેમના સ્ટાફ ની કામગીરીનું સુપરવિઝન ની જવાબદારી જેમાં અંદાજિત ૧૫૦૦ નો સ્ટાફ આવેલ છે જેના માટે ના અધિકારી આર સી એચ ઓ ની પોસ્ટ પણ ખાલી છે.

નોંધનીય છે કે બીપીએમસી એકટની જોગવાઈ મુજબ આરોગ્ય અધિકારીની ખાલી જગ્યા છ માસ થી વધારે રાખી શકાતી નથી.  ત્રણ માસ પહેલા સીએચસી માટે  નક્કી કરેલા સ્ત્રીરોગ નિષ્ણાંત તથા બાળરોગ નિષ્ણાત ના ઇન્ટરવ્યૂમાં પણ કોઈ ઉમેદવાર ઇન્ટરવ્યુમાં આવેલ ન હતા.

 અગાઉના વર્ષોમાં આરોગ્ય અધિકારીની પોસ્ટ માટે રાજય સરકારમાંથી અધિકારીની નિમણૂક કરવામાં આવતી હતી. ત્યારે   કરોડોના પ્રોજેકટ કરનાર રાજકોટ મહાનગરપાલિકા લોકોના આરોગ્ય માટે આરોગ્ય અધિકારીઓની ખાલી જગ્યા ભરવામાં કેમ ઢીલી નીતિ રાખી રહી તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.

(4:12 pm IST)