રાજકોટ
News of Tuesday, 12th November 2019

તલાટીઓની બદલી આડેધડ ? વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખ વચ્ચે સંઘર્ષના એંધાણ

જિલ્લા પંચાયતમાં માહોલ ગરમાયો : કેટલાય તલાટીઓ-સભ્યોમાં કચવાટ

રાજકોટ, તા., ૧રઃ જિલ્લા પંચાયતમાં  વિકાસ અધિકારીએ ગયા અઠવાડીયે પ૦ જેટલા તલાટી મંત્રીઓની બદલીનો ઘાણવો કાઢેલ. તે પૈકી કેટલાકની બદલી આડેધડ થયાના આક્ષેપો શરૂ થયા છે. આ મુદ્દે ચુંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર આમને સામને આવી જાય તેવા એંધાણ છે.

પંચાયતના તલાટીઓની બદલી એ જિલ્લા વિકાસ અધિકારીનો અધિકાર છે. ભુતકાળમાં તલાટીઓની બદલી વખતે પ્રમુખ સાથે પરામર્શ કરવાની પ્રણાલીકા હતી. હવે તેવો કોઇ પરામર્શ કરવામાં આવતો નથી. આ વખતે જે તલાટીઓની બદલી થઇ તેમાના કેટલાય અન્યાયની લાગણી અનુભવી રહયા છે આ અંગે સભ્યો પાસે રજુઆત કરવામાં આવી છે. સભ્યોએ લાગણી વહીવટી તંત્રને પહોંચાડી છે. અમુક વગદાર તલાટીઓ પસંદગીની જગ્યાએ રહયા છે અથવા બદલીના ઘાણવામાં ગમતી જગ્યાએ ગોઠવાઇ ગયા છે તેવી ચર્ચા ચાલી રહી છે. પદાધિકારીઓએ કરેલી ભલામણ મહદ અંશે ધ્યાને લેવામાં આવી નથી. વ્યકિતગત  સંબંધોનો પ્રભાવ ધરાવતા અમુક તલાટીઓનું ધાર્યુ થયું છે તેવી પંચાયતના વર્તુળોમાં ચર્ચા છે. કેટલાક સભ્યોએ આ અંગે પ્રમુખ પાસે આક્રોશ ઠાલવ્યો છે. તલાટીઓની બદલી કયા માપદંડના આધારે થઇ? તે બાબતે પદાધિકારીઓ મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહયા છે.

વહીવટી તંત્રના વર્તુળો તલાટીઓની બદલી વિકાસ અધિકારીના અધિકાર મુજબ અને નિતી નિયમોને આધીન થયાનો દાવો કરે છે. ચુંટાયેલા સભ્યોમાં અને અસરગ્રસ્ત તલાટીઓમાં તીવ્ર કચવાટ જોવા મળે છે. આ અંગેની લાગણી વહીવટી તંત્ર સુધી પહોંચાડવામાં આવી છે. અમુક પદાધિકારીઓએ કરાવવા ધારેલ ફેરફાર ન થાય તો આ મુદ્દે વહીવટી તંત્રને ભીડવવાની તૈયારી કર્યાનું જાણવા મળે છે.

(4:12 pm IST)