રાજકોટ
News of Tuesday, 12th November 2019

હિન્દી ફિલ્મોના વિખ્યાત કલાકાર બિશ્વજીતજી શુક્રવારે રાજકોટના મહેમાન

કલાસંસ્થા 'સૂરસંસાર'નો સંક્ષિપ્ત પરિચય : ૧૯૬૨માં 'બિસ સાલ બાદ' ફિલ્મથી એન્ટ્રી કરી હતી : તેઓના પુત્રી પ્રાઈમા ચેટર્જી પણ આવી રહ્યા છે, તેઓ સારા નૃત્યાંગના છે

રાજકોટ : સૂરસંસારની સ્થાપના વર્ષ ૧૯૯૪માં થઈ હતી. જૂના હિન્દી ફિલ્મના મધુરા ગીતોના કાર્યક્રમો - બેઠકો યોજી અને સંગીતપ્રેમીઓ આનંદ માણતા હતા. સંગીતની નાની બેઠકોનું આયોજન કરતી આ સંસ્થા આજે વિખ્યાત સંસ્થા બની છે. રફતા રફતા આજે હવે ૧૫૦માં વિક્રમ સર્જક કાર્યક્રમ તરફ પગલા માંડી રહી છે. કાર્યક્રમોમાં બિનજરૂરી ભાષણબાજી, ઝાક ઝમાળ અને વાજીંત્રોના બિનજરૂરી ઉપયોગથી આ સંસ્થા સદૈવ દૂર રહી છે. સૌમ્યતા, સાદગી અને માધુર્ય એ જ માત્ર ઉદેશ્ય છે. આ સંસ્થા નહી નફો નહી નુકશાનના ધોરણે ચાલે છે.

તા.૧૫ નવેમ્બરના રોજ હેમુગઢવી નાટ્યગૃહ ખાતે સૂરસંસારનો ૧૪૮મો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.  આ કાર્યક્રમ માટે હિન્દી ફિલ્મના સુવિખ્યાત અભિનેતા શ્રી બિશ્વજીતજી આવી રહ્યા છે.

બિશ્વજીતજીનો હિન્દી ફિલ્મોમાં પ્રવેશ ૧૯૬૨ની 'બીસ સાલ બાદ'થી થયો હતો. તે પૂર્વે તેઓ બંગાળની ફિલ્મોમાં પ્રવૃત હતા. બીસ સાલ બાદ ફિલ્મ દ્વારા તેઓ સમગ્ર ભારતના પ્રેક્ષકો ઉપર છવાઈ ગયા હતા. આ સોહામણા અભિનેતાએ પ્રેક્ષકો ઉપર જાણે જાદુ કરી દીધો હતો.

૧૯૬૦-૭૦ના દસકા દરમિયાન તેમણે અનેક લોકપ્રિય ફિલ્મો આપી. બીસ સાલ બાદ પછી તો સફળ ફિલ્મોની વણઝાર ચાલી. જેમાં શહનાઈ, બીન બાદલ બરસાત, કોહરા - એપ્રિલફુલ, મેરે સનમ, યહ રાત ફીર ન આયેગી, નાઈટ ઇન લંડન, કિસ્મત, દો કલીયા, વાસના વગેરે ગણાવી શકાય. આ ફિલ્મોએ અવિસ્મરણીય ગીતો પણ આપ્યા હતા. જે આજે પણ ખૂબ લોકપ્રિય છે.

બિશ્વજીતજી ખૂબ સારા ગાયક પણ છે. તેઓ પોતાના સ્વતંત્ર કાર્યક્રમો પણ યોજે છે. આજે ૮૨ વર્ષની ઉંમરે પણ યુવાન જેવો તરવરાટ, તાજગી અને મોહક વ્યકિતત્વ ધરાવે છે. તેઓએ હિન્દી ફિલ્મ જીવન દરમિયાન એક હિન્દી ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યુ હતું.

'સૂરસંસાર' આયોજીત તા.૧૫ નવેમ્બરના કાર્યક્રમમાં તેઓ પોતાના મધુરા કંઠે કેટલાક ગીતો પણ રજૂ કરશે. સુવિખ્યાત કટાર લેખક, પત્રકાર, ટીવી. ફિલ્મના લેખક તથા સાહિત્યકાર - લેખક શ્રી રજનીકુમાર પંડ્યા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમ દરમિયાન બિશ્વજીતજી જોડે ચર્ચા ગોષ્ઠી પણ કરશે.

આ સંગીતના કાર્યક્રમ માટે અમદાવાદના સુવિખ્યાત ગાયક વિશ્વનાથ બાટુંગે તથા વડોદરાના વર્સેટાઈલ ગાયિકા શ્રીમતી વિભાવરી યાદવ આવી રહ્યા છે. આ બંને ગાયકો તેઓની તાલીમ બદ્ધ ગાયિકી માટે જાણીતા છે.

બિશ્વજીતજી સાથે તેઓના પુત્રી પ્રાઈમા ચેટર્જી આવી રહ્યા છે. પ્રાઈમા ઉત્તમ નૃત્યાંગના છે. સાથેે ટીવી અને ફિલ્મોના જાણીતા અભિનેત્રી પણ છે.

રાજકોટના સંગીત જગતમાં ગૌરવપૂર્ણ સ્થાન ધરાવતી સંસ્થા સૂરસંસાર નજીકના ભવિષ્યમાં સિમાચિન્હરૂપ ૧૫૦મા કાર્યક્રમ તરફ અગ્રેસર છે.

આયોજક - શ્રી ભગવતીભાઈ મોદી

ફોન - ૦૨૮૧-૨૫૭૭૫૬૩

(3:35 pm IST)