રાજકોટ
News of Tuesday, 12th November 2019

લેઉવા પટેલ પરિવારોને 'મા અમૃતમ કાર્ડ' કાઢી આપવા ૧ ડીસે.ના મેગા કેમ્પ

મ્યુ. આરોગ્ય સમિતિ અને ખોડલધામ કાગવડનું સહીયારૂ આયોજન

રાજકોટ, તા. ૧ર : ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના માનદ મંત્રી જીતુભાઇ વસોયા, ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટી રમેશભાઇ ટીલાળા અને રાજકોટ મહાનગર પાલિકા-આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકરની યાદીમાં જણાવેલ છે કે, શહેરમાં વસતા લેઉવા પટલ સમાજના પરિવારો માટે મુખ્યમંત્રીશ્રી 'મા અમૃતમ કાર્ડ'ની પ્રક્રિયાનો મેગા કેમ્પ તા. ૧લી ડીસેમ્બરના  રવિવારે સવારે ૯ વાગ્યાથી ૧પ૦ ફુટ રીંગ રોડ પરના નાના મવા મેઇન રોડ પર આવેલા સત્યમ પાર્ટી લોન્સમાં યોજવામાં આવેલ છે.

એક જ દિવસમાં આશરે ૩ હજાર પરિવારોના મા અમૃતમ કાર્ડની પ્રક્રિયા કરવામાં આવશે. મેગા કેમ્પમાં વ્યવસ્થા જળવાઇ રહે તે માટે લાભાર્થીઓને અગાઉથી જ ટોકન પણ આપી દેવામાં આવશે.

જે લાભાર્થીઓએ ફોર્મ ભરવાના બાકી હોય તેઓએ ર૦ નવેમ્બર સુધીમાં (સોમવારથી શુક્રવાર દરમિયાન બપોરે ૩.૩૦ થી પ વાગ્યા સુધીમાં ફોર્મ ભરીને જરૂરી આધાર પુરાવા જોડીને ન્યુ માયાણીનગર ખાતે આવેલા સરદાર પટેલ ભવનમાં ગ્રાઉન્ડ ફલોર પર 'સંકલન વિભાગ' માં જમા કરાવી જવા જણાવાયું છે.

વધુ વિગત માટે રાહુલભઇ ગીણોયા શહેર કન્વીનર, શ્રી ખોડલધામ ટ્રસ્ટ -કાગવડ તેમજ જયમીન ઠાકર, આરોગ્ય સમિતિ ચેરમેન મહાનગર પાલિકાનો સંપર્ક કરવા જણાવાયું છે.

નવા મા કાર્ડ  કઢાવવા માટે બારકોડેડ રેશનકાર્ડમાં મુખ્ય (પ્રથમ) નામ હોય તેના નામનો આવક (૪ લાખ સુધીની મર્યાદા)નો જે તે વિસ્તારના કોર્પોરેટરશ્રીનો દાખલો, મા કાર્ડનું ભરેલું ફોર્મ, બારકોડેડ રેશનકાર્ડની ઝેરોક્ષ, બારકોડેડ રેશનકાર્ડમાં નામ હોય તે તમામ સભ્યોના આધારકાર્ડ અથવા ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ, ૦ થી પ વર્ષના બાળકો હોય અને રેશનકાર્ડમાં નામ હોય પરંતુ આધાર કાર્ડ ન હોય તો તેમના જન્મ તારીખના દાખલાની ઝેરોક્ષ આપવાની રહેશે.

મા કાર્ડ રીન્યુઅલ માટે ખાલી પુરાવાઓ જમા કરાવવાના છે, ફોર્મ ભરવાનું નથી. બારકોડેડ રેશનકાર્ડમાં મુખ્ય (પ્રથમ) નામ હોય તેના નામનો આવક (૪ લાખ સુધીની મર્યાદા) નો જે તે વિસ્તારન કોર્પોરેટર નો દાખલો, મા કાર્ડની ઝેરોક્ષ,  બારકોડેડ રેશનકાર્ડની ઝેરોક્ષ, બારકોડેડ રેશનકાર્ડમાં મુખ્ય (પ્રથમ) નામ હોય તેના આધારકાર્ડ અથવા ચૂંટણીકાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે.

૧લી ડીસેમ્બરે યોજાનારા મેગા કેમ્પમાં કોઇ અવ્યવસ્થા ન સર્જાય તે માટે જે લાભાર્થીઓએ ફોર્મ ભરેલા હશે તેઓને જ ર૦ નવેમ્બર બાદ સરદાર પટેલ ભવનથી ટોકન વિતરણ કરવામાં આવશે. મેગા કેમ્પના લાભાર્થીઓએ આ ટોકન લઇને સ્થળ પર જવાનું રહેશે. એક જ દિવસમાં આશરે ૩ હજાર પરિવારોના 'મા અમૃતમ કાર્ડ'ની પ્રક્રિયા કરવાની હોવાથી વ્યવસ્થા ભાગરૂપે આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના રાજકોટ શહેરના દરેક વોર્ડના કન્વીનરો, સહકન્વીનરો (ભાઇઓ-બહેનો) તેમજ સ્વયંસેવકો કુલ ૩૦૦ વ્યકિતઓની ટીમ ખડેપગે રહેશે.

(5:56 pm IST)