શહેર પોલીસ ફરી મેદાનેઃ ઠેર ઠેર ઓચિંતું વાહન ચેકીંગઃ વહેલી સવારે ઢેબર કોલોની પાસે દેશી દારૂની મેગા ડ્રાઇવ
સાંજે ક્રાઇમ બ્રાંચ, એસઓજી, પેરોલ ફરલો સ્કવોડના ૫૦ અધિકારીઓ-કર્મચારીઓની ટીમોએ ચેકીંગ કર્યુઃ સવારે ભકિતનગર પોલીસે સવારે દારૂની ડ્રાઇવ યોજીઃ સેંકડો લિટર આથાનો નાશઃ ૧૧૦ લિટર દારૂ કબ્જેઃ એક ભઠ્ઠી પકડાઇ

રાજકોટ તા. ૧૨: શહેર પોલીસ ફરીથી મેદાને આવી ગઇ છે. ગત સાંજે અચાનક જ શહેર ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ. એમ. ગઢવી, એસઓજી પી.આઇ. આર. વાય. રાવલ, પેરોલ ફરલો સ્કવોડના એમ. એસ. અંસારી અને તેમની ટીમોના ૫૦ જેટલા અધિકારીઓ, કર્મચારીઓએ અલગ-અલગ ૧૦ ટીમો બનાવી માધાપર ચોકડી, રૈયા ચોકડી, રેલ્વે સ્ટેશન સામે, કિસાનપરા ચોક, ચુનારાવાડ ચોક, ભકિતનગર ચોક, હોસ્પિટલ ચોક, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ રોડ ચોકડી, સોરઠીયાવાડી સર્કલ, મવડી ચોકડી, ત્રિકોણબાગ, જ્યુબીલી બાગ ચોક નજીક રિક્ષા સ્ટેન્ડ ખાતે તેમજ અન્ય સ્થળોએ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને રિક્ષાઓને ચેક કરવામાં આવી હતી. રિક્ષાઓનો ઉપયોગ કરી અમુક ગુનેગારો મુસાફરોના ખિસ્સા કાપવાના બનાવો તથા બીજા ગુનાઓને અંજામ આપતાં હોઇ એ કારણે ખાસ ચેકીંગ કરાયું હતું. તેમજ અન્ય વાહનોમાં ગેરકાયદેસર રીતે કોઇ હેરાફેરી થતી હોય તો તે અટકાવવા કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત આજે વહેલી સવારે ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવી અને ટીમે ઢેબર કોલોની વિસ્તારમાં દારૂની મેગા ડ્રાઇવ યોજી હતી. જેમાં એક ચાલુ ભઠ્ઠી પકડાઇ હતી. તેમજ દેશી દારૂ બનાવવા માટેનો ૧૨૦૦ લિટર આથો પકડાયો હતો. જેનો સ્થળ પર જ નાશ કરાયો હતો. આ ઉપરાંત ૧૧૦ લિટર દેશી દારૂ મળતાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. એમ મકાનમાંથી આથો ભરેલા બેરલો મળી આવતાં પોલીસે નાશ કર્યો હતો. અચાનક પોલીસની ધોંસથી દેશીના ધંધાર્થીઓમાં નાશભાગ મચી ગઇ હતી. એસીપી એચ.એલ. રાઠોડ, પી.આઇ. વી. કે. ગઢવી અને ટીમના પાંચ અધિકારીઓ, ૨૫ જવાનો, મહિલા પોલીસ કર્મચારીઓ આ ડ્રાઇવમાં જોડાયા હતાં.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ એચ. સરવૈયા, એસીપી એચ.એલ. રાઠોડ સહિતના અધિકારીઓની સુચના હેઠળ ઉપરોકત બંને ડ્રાઇવ યોજવામાં આવી હતી. તસ્વીરોમાં વાહન ચેકીંગનાી કાર્યવાહી તથા દેશી દારૂની ડ્રાઇવના દ્રશ્યો જોઇ શકાય છે.