રાજકોટ
News of Tuesday, 12th November 2019

ઓશો શુદ્ધ જ્ઞાનમાર્ગી છે

ઓશોને હું એક દાર્શનિક અને ક્રાંતિકારી વિચારકના રૂપમાં જોઉં છું. ઓશો મુકત ચિંતક છે અને શુદ્ધ જ્ઞાનમાર્ગી છે અને એ જે રીતે તેમણે કબીર, નાનક, બુદ્ધ જેવા સંતો, ભકતો અને કવિઓ પર જે કહ્યુ છે તેનું અધ્યયન પણ મેં કર્યુ છે. તેના આધારે હું કહી શકુ છું કે ઓશો એક મૌલિક વિચારક છે અને બીજા જેટલા પણ વિચારક છે તેમની સાથે ઓશોની સરખામણી ન કરી શકાય.

ઓશો જયારે પ્રવચન કરે ત્યારે તેમને સાંભળનાર વ્યકિત મંત્રમુગ્ધ થઈ જાય છે. ઓશો એક વિચક્ષણ વાકસિદ્ધ હતા, જેમની વાણીમાં ગજબનું સંમોહન હતું. એમાં કોઈ સંદેહ નથી કે તેમનું ચિંતન માનવ મુકિતનું ચિંતન હતું. તેઓ મનુષ્યને જાતિ, ધર્મ, રંગ, દેશના સિમાડાઓથી મુકત થઈને પોતાની અંદર જોવાની અને પોતાના વાસ્તવિક સ્વરૂપને ઓળખવાની સલાહ આપે છે. તેઓ એક વર્જનામુકત, નિર્ભય અને સહજ જીવનના હિમાયતી છે. તેઓ સન્યાસમાં નહિં, આ દુનિયામાં નિર્લિપ્ત, અપરીગ્રહીભાવથી જીવવામાં વિશ્વાસ કરે છે. તેમનું ચિંતન આત્મવાદી અને આદર્શવાદી છે. તેઓ સમાધિમાં આનંદની વાત કરે છે. મૌન સંવાદ બનાવવાની સલાહ આપે છે.  મેં આ રૂપમાં ઓશોને વાંચ્યા છે, ઓશોનું કોઈપણ પુસ્તક વાંચો, તે પુસ્તકને વાંચતા વાંચતા તમે પુસ્તકની સાથે જોડાઈ જશો.

વિશ્વનાથ તિવારી

(પ્રમુખ, સાહિત્ય અકાદમી)

(12:35 pm IST)