રાજકોટ
News of Tuesday, 12th October 2021

રૂ. ત્રણ લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજાનો હુકમ

રાજકોટ,તા. ૧૨ : ત્રણ લાખના ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા કોર્ટ ફરમાવી હતી. અને ત્રણ લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો.

આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે રાજકોટના રહેવાસી અને કલ્પેશભાઇ બાબુભાઇ પુરોહીતનએ તેમના મિત્ર અશ્વિનભાઇ દિનેશભાઇ કારેલીયાને રૂ. ૧૫,૦૦,૦૦૦ હાથ ઉછીની રકમ આપેલ. જે પૈકી તહોમતભાઇ અશ્વિનભાઇ કારેલીયાએ ફરીયાદી કલ્પેશભાઇને રૂ. ૧,૦૦,૦૦૦નો એક એવક કુલ ૩ ચેકો મળી રૂ. ૩,૦૦,૦૦૦ ના ચેકો આપેલ અને એવું પાકું વચન અને વિશ્વાસ આપેલ કે સદરહું તમામ ચેકો બેંકોમાં વટાવવા માટે રજુ રાખતા ફરીયાદીને તેમની લેણી રકમ મળી જશે. તહોમતદારની વાત પર વિશ્વાસ અને ભરોસો રાખી કલ્પેશભાઇએ તમામ ચેકોનો સ્વીકાર કરે અને તેમના ખાતાવાળી બેંક, બેંક ઓફ ઇન્ડિયામાં વઠાવવા માટે રજુ રાખતા તમામ ચેકો અપૂરતી જમા રાશીના કારણે વગર વટાવાયે પરત ફરેલ. જેથી કલ્પેશભાઇએ તેમના વકીલશ્રી મારફત ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ અન્વયે કાયદેસરની નોટીસ આપેલ, જે નોટીસ તહોમતદારને મળેલ પરંતુ તેનો તેઓએ કોઇ જવાબ આપેલ નહીં કે ફરીયાદીને તેની લેણી  રકમ પણ ચુકવેલ ન હોય જેથી છેવટે કલ્પેશભાઇએ તેમના મિત્ર અશ્વિનભાઇ વિરૂધ્ધ કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરેલ.

આ કેસમાં ફરીયાદી તરફે જાતે સોગંદપર જુબાની આપી તેની ફરિયાદને સમર્થન આપવા અનેક દસ્તાવેજી પુરાવાઓ તથા સાક્ષી પુરાવાઓ રજુ રાખવામાં આવેલ અને તેને સફળતાપૂર્વક કોર્ટમાં પુરવાર પણ કરવામાં આવેલ. આરોપી તરફેથી કોઇ જ દલીલ કે રજુઆતોને કોર્ટે અમાન્ય ઠરાવેલ. સમગ્ર કેસ કાર્યવાહીના અંતે ફરીયાદીના વકીલશ્રીએ કેસને સમર્થનમાં સચોટ દલીલ કરેલ અને સર્વોચ્ચ અદાલત તેમજ વડી અદાલતોના ચુકાદાઓ ટાંકી સફળતા પૂર્વક પોતાનો કેસ કોર્ટ સમક્ષ સાબીત કરેલ. આમ, ફરીયાદીએ પોતાના કેસ સફળતા પૂર્વક સાબીત કરતા રાજકોટના જજ શ્રી જી.ડી.પડીયાએ આરોપીને એક વર્ષની સજા તેમજ ચેક મુજબનું રૂ. ૩,૦૦,૦૦/- નું વળતર ફરીયાદીને ચુકવવા અને જો વળતર એક માસની અંદર ન ચુકવે તો વધુ ૬ માસની સજા કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં ફરીયાદી તરફે વકીલશ્રી પિયુષ જે. કારીયા, પ્રદ્યુમનસિંહ એમ. જાડેજા તથા સચીન તેરૈયા, મોહિન લિંબાસીયા, તથા કેવલ પુરોહીત રોકાયેલ હતા.

(4:10 pm IST)