રાજકોટ
News of Tuesday, 12th October 2021

આરોગ્ય કર્મીઓએ બાંયો ચડાવી : શોષણ બંધ કરવા ઉગ્ર રજૂઆતો

'કોરોના'ના નામે મ.ન.પા. દ્વારા ડોકટરથી લઇ નર્સીંગ સહિતના સ્ટાફનું અસહ્ય શારીરિક આર્થિક શોષણ : છેલ્લા ૧ાા વર્ષથી રજાઓ નથી અપાઇ : જાહેર રજામાં કરાવાતી કામગીરીનું વળતર નથી અપાતુ : હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે ત્યારે જાહેર રજાના દિવસે કામગીરીમાંથી મુકિત આપવા મેયર, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન અને મ્યુ. કમિશનરને ૨૦૦થી વધુ કર્મચારીઓએ સામુહિક રજૂઆત કરી

રાજકોટ તા. ૧૨ : મ.ન.પા. દ્વારા 'કોરોના' મહામારીના નામે ડોકટરથી લઇ નર્સીંગ સહિતના સ્ટાફનું શારીરિક અને આર્થિક શોષણ થતું હોવાના આક્ષેપો સાથે આજે તમામ આરોગ્ય કેન્દ્રોના સ્ટાફે સવારે ૧૧ વાગ્યે મ્યુ. કમિશનરશ્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી અને હવે રસીકરણ ૯૮ ટકા જેટલું થયું છે અને કોરોના સંક્રમણની સ્થિતિ નિયંત્રણમાં છે ત્યારે આરોગ્ય સ્ટાફ પાસે વધારાની લેવાતી કામગીરી બંધ કરાવવા અને જાહેર રજાના દિવસે કામગીરીમાંથી મુકિત આપવા સહિતના પ્રશ્નોની ઉગ્ર રજૂઆત કરી હતી.

આજે સવારે ૧૨ વાગ્યા આસપાસ મ.ન.પા.ના કાયમી તેમજ કોન્ટ્રાકટવાળા ૨૦૦થી વધુ આરોગ્ય કર્મચારી ભાઇ-બહેનોને મ્યુ. કમિશનરને આર્થિક તથા શારીરિક શોષણ અટકાવવા બાબતે વિસ્તૃત આવેદન પત્ર પાઠવ્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવાયું હતું કે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે કોરોના કેસ તથા ત્યારબાદની વેકસીનેશન સંલગ્ન અવિરત ઝુંબેશ - ટાર્ગેટને અનુરૂપ કામગીરીના કારણે પરિવાર તથા અંગત સામાજિક બાબતો માટે કોઇપણ પ્રકારનો સમય મળેલ ના હોય, કોવીડ મહામારીને ધ્યાનમાં લઇ દરેક જાહેર રજા તથા રવિવારના દિવસોમાં કામ કરેલ હોય, તેમજ હાલમાં કોવીડના કેસમાં ઘટાડો થયેલ છે તેમજ રાજકોટ કોર્પોરેશનની વેકસીનેશનની કામગીરી ગુજરાત રાજ્યના વેકસીનેશનની કામગીરી કરતા ઘણી વધારે હોય તેમજ સમગ્ર ગુજરાતમાં રાજકોટ કોર્પોરેશન ટોપ-૫ માં હોય જે ધ્યાને લઇ અમોને તહેવારોના સમયને ધ્યાનમાં લઇ દરેક જાહેર રજા તેમજ રવિવારના દિવસોમાં કામગીરીમાંથી મુકિત આપવી જોઇએ.

જ્યારે હાલમાં રાજકોટમાં કોવીડ વેકસીનેશનને મંદ પ્રતિસાદ હોય જેના કારણોમાં અગાઉ થયેલ સઘન કામગીરી (અંદાજીત ૯૮%થી વધારેને પહેલો ડોઝ) તેમજ તહેવારોના સમયગાળાના કારણે ઓછા લોકો વેકસીનેશન કરવા આવતા હોવાથી હવે પછીથી કોવીડ રસીકરણનો સમયગાળો પણ આરોગ્ય કેન્દ્રના સમયગાળા અનુસાર રાખવો જોઇએ.

આરોગ્ય કેન્દ્રના તાબા હેઠળ આવતા વિસ્તારોમાં મેડીકલ ઓફિસરે (૧) ઓ.પી.ડી. (ર) ટી.બી.ની કામગીરી (૩) RI (૪) કોવીડ કેસોની તપાસણી (પ) NVBDCP નો સર્વેલન્સ તેમજ અન્ય સર્વેલન્સની કામગીરી માટે વારંવાર વિસ્તારમાં જવા માટે દરેક આરોગ્ય કેન્દ્ર દીઠ એક વ્હીકલ આપવું જરૂરી છે.

હાલ કોરોનાના કેસો ન્યુનત્તમ હોય આર.સી.એચ./એન.એચ.એમ. અંતર્ગત ફરજ બજાવતા તમામ સ્ટાફને કોરોનાની કામગીરીમાંથી મુકિત આપી કોરોનાની કામગીરી માટે આઉટ સોર્સીંગથી ભરવામાં આવેલ કોવીડ સ્ટાફ પાસે કરાવવા વિનંતી. જેથી આર.સી.એચ./એન.એચ.એમ.ના તમામ રાષ્ટ્રીય આરોગ્યલક્ષી કાર્યક્રમોનું સુપરવિઝન તેમજ અમલીકરણ સુવ્યવસ્થિત થઇ શકે અને રાજકોટ મહાનગરપાલિકામાં હાલ પંડિત દિન દયાલ ઉપાધ્યાય કલીનીક ચાલુ થયેલ હોય, જેનો સમય સાંજના ૫ થી રાત્રે ૯ નો હોય જે ધ્યાને લઇ આરોગ્ય કેન્દ્રનો સમય પણ અન્ય મહાનગરપાલિકાની જેમ સવારે ૯ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધીનો કરી આપવા વિનંતી છે.  આમ ઉપરોકત વિગતો ધ્યાને લઇ આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવતા તમામ સ્ટાફને પડતી મુશ્કેલીઓનું યોગ્ય નિરાકરણ કરી આપવા આવેદનના અંતે માંગ ઉઠાવાઇ છે.(

(4:09 pm IST)