રાજકોટ
News of Tuesday, 12th October 2021

રાજય સરકારે ૧પ મહિનાથી વિદ્યાર્થીઓની ર હજારથી ર૦ હજાર જેટલી સ્કોલરશીપ અટકાવી છેઃ NSUIના દેખાવો

બહુમાળી-સમાજ કલ્યાણ કચેરી સામે ધરણા પ્રદર્શનઃ પોલીસ દોડી આવીઃ ૧રની અટકાયત..

NSUIના આગેવાનોએ આજે બહુમાળી ભવન સમાજ કલ્યાણ કચેરી ખાતે દેખાવો-ધરણા પ્રદર્શન યોજયા હતા, કચેરીમાં અંદર જાય તે પહેલા પોલીસે દોડી આવી ૧૦ થી ૧ર કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧ર :.. એનએસયુઆઇ રાજકોટ એકમે બહુમાળી સમાજ કલ્યાણ કચેરી સામે દેખાવો - ધરણા યોજી ૧પ મહિનાથી અટકેલી સ્કોલરશીપ અંગે દેખાવો કરી યોગ્ય કરવા માંગણી કરી હતી, આગેવાનો બહુમાળી કચેરીની અંદર જાય તે પહેલા પોલીસે દોડી આવી ૧૦ થી ૧ર લોકોની અટકાયત કરી લીધી હતી.

આવેદનમાં જણાવ્યું હતું કે, રાજયમાં એસ. સી., એસ. ટી. અને ઓ. બી. સી.ના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓની ર૦૦૦ થી ર૦,૦૦૦ જેટલી સ્કોલરશીપ મેળવવા ૧પ મહિનાથી રાજય સરકારે. અટકાવી રાખી છે. વિદ્યાર્થીઓ જે તે જિલ્લાની સમાજ કલ્યાણની કચેરીએ તથા ગાંધીનગરમાં રજૂઆત કરવા છતાં સરકાર તરફથી કોઇ પણ જવાબ આપવામાં આવતો નથી. એસ. સી. ફ્રી-શીપ કાર્ડના  નાણાં પણ રોકી રાખવામાં આવ્યા છે. એસ. સી., એસ. ટી. અને ઓ. બી. સી.ના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના સ્કોલરશીપ સરકાર આગામી ૧પ દિવસમાં તેમના એકાઉન્ટમાં જમા નહી કરે તો એસ. સી., એસ. ટી. અને ઓ. બી. સી.ના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના હીતમાં આંદોલનાત્મક કાર્યક્રમ અપાશે. જેની જવાબદારી રાજય સરકારની રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓલ ઇન્ડીયા એન. એસ. યુ. આઇ. કો-ઓર્ડીનેટર ભાવિક સોલંકી, ગુજરાત યુવક કોંગ્રેસના આગેવાન રાહુલ પરીખ, રાજકોટ યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકુંદ ટાંક, શહેર પ્રમુખ નરેન્દ્ર સોલંકી, હરપાલસિંહ જાડેજા, ઉપપ્રમુખ દર્શન શિયાળ, બ્રિજરાજસિંહ જાડેજા, દિગ્પાલસિંહ જાડેજા, ભવિષ્ય પટેલ, અમન ગોહેલ, દેવેન્દ્રસિંહ જાડેજા, માધવ આહીર, મંથન પટેલ, કર્મદિપસિંહ જાડેજા, રોહિત રાઠોડ, રાજ વરણ, અમન ગોહીલ, મિલન વિસપરા, આર્યન કનેરીયા વિગેરેએ જોડાયા હતાં.

(4:09 pm IST)