રાજકોટ
News of Tuesday, 12th October 2021

શહેરમાં ૩૦ ન્યુસન્સ સ્થળો થયા ચોખ્ખા ચણાંક : મેયરનો દાવો

ગંદકી ન્યુસન્સ પોઇન્ટ મુકત અભિયાન અંતર્ગત : સ્વચ્છતાની જાગૃતિ બાબતે શહેરીજનોની પીઠ થાબડતા પ્રદિપ ડવ અને અશ્વિન પાંભર

રાજકોટ તા. ૧૨ : તાજેતરમાંજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશન-૨નું લોન્ચિંગ કરેલ છે. દિલ્હી ખાતે યોજાયેલ આ લોન્ચિંગ સમારોહમાં મેયરે ભાગ પણ લીધેલ. આ સમારોહમાં પ્રધાનમંત્રીએ દેશમાં સ્વચ્છતા જળવાઈ તે બાબત પર ખૂબજ ગંભીરતાપૂર્વક ભાર મુકયો હતો. આ અંતર્ગત જનજાગૃતિ અને હાથ ધરવાની થતી વિવિધ પ્રવૃતિઓ માટે વિવિધ યોજનાઓ પણ હાથ ધરાયેલ છે. તેમ મેયર ડો.પ્રદિપ ડવ તથા સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભરે જણાવ્યું હતું.

મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેર સ્વચ્છ, સુંદર અને રળિયામણું બને તે માટે સૌના પ્રયાસોથી અભિગમ આપવાનીશું તો ખૂબ જ સારૂ પરિણામ મળશે. મેયર ડો.પ્રદિપ ડવએ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ગંદકીના ન્યુસન્સ પોઈન્ટના કારણે આજુબાજુના રહેવાસીઓને થતી મુશ્કેલીને ધ્યાને લઇ ગત જુલાઈ માસમાં રાજકોટને ગંદકીના ન્યુસન્સ પોઈન્ટ મુકત અભિયાન શરૂ કરાયેલ. શહેરમાં કુલ ૧૬૩ ગંદકીના ન્યુસન્સ પોઈન્ટ હતા. તેમાં આ અભિયાનના પરિણામ સ્વરૂપે ૩૦ જેટલા ન્યુસન્સ પોઇન્ટનો ઘટાડો થયેલ છે અને વધુ ને વધુ ન્યુસન્સ પોઈન્ટ જેવા પોઈન્ટ પર દરરોજ ટ્રેકટર ભરાઈ એટલો કચરો નીકળતો ત્યાં હાલમાં નહીવત કચરો થાય છે. તેમજ તમામ ન્યુસન્સ પોઈન્ટ પર નિયમિત સફાઈ કરવામાં આવી રહી છે. દીન-પ્રતિદિન ન્યુસન્સ પોઈન્ટ પર ઘટાડો થાય તેવા તંત્ર દ્વારા પ્રયત્નો થઇ રહ્યા છે અને આ અભિયાનની જાગૃતતા માટે પત્રિકા વિતરણ પણ કરવામાં આવેલ. વિશેષમાં, સ્વચ્છ રાજકોટ અભિયાન માટે શહેરીજનોની જાગૃતિને મેયરશ્રીએ બિરદાવી હતી.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી આવાસોમાં ડસ્ટબીન ન હોવાથી ટીપરવાનને કચરો આપવામાં આવતો ન હતી જેના કારણે પણ આવાસની બાજુમાં ન્યુસન્સ પોઈન્ટ ઉભા થતા હતા. આ પોઈન્ટના નિવારણ માટે રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજનામાં આગામી સમયમાં મોટી ડસ્ટબીન આપવામાં આવશે અને આવાસ યોજનાના રહેવાસીઓને ટીપરવાનમાં જ કચરો નાંખવા સમજાવવામાં આવેલ.

સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટ શહેરનો નંબર આવે તે માટે તંત્રની સાથે હજુ વધુને વધુ શહેરીજનો સફાઈ માટે સહકાર આપવા મેયર તથા સેનીટેશન કમિટીના ચેરમેન અપીલ કરેલ.

(3:22 pm IST)