રાજકોટ
News of Tuesday, 12th October 2021

ગોંડલ ચોકડી બંધ થતા અને ડાયવર્ઝન કઢાતા ૯II કિ.મી.નો રૂટ વધ્યોઃ રાજકોટ આવતી ૨૭૦ બસનું આજથી ભાડુ વધ્યું

આજથી ભાડામાં રૂ. ૮ થી ૧૨નો વધારોઃ હાલ રોજની આવક ૪૨ થી ૪૫ લાખ : ગોંડલ, જેતપુર, જૂનાગઢ, વેરાવળ સોમનાથ, દીવ, પોરબંદર તરફથી આવતી તમામ બસોને અસર

રાજકોટ, તા. ૧૨ :. ગોંડલ ચોકડીએ એલીવેટર ફલાય ઓવર બનવાનો હોય આ ચોકડી બંધ કરી દેવાય છે. આ માટે કલેકટરે જાહેરનામુ પણ બહાર પાડી દીધુ છે અને ત્રણ રસ્તા પણ ડાયવર્ઝન માટે કઢાયા છે.

દરમિયાન ગોંડલ ચોકડી બંધ થતા એસટીને પણ અસર થઈ છે. રાજકોટથી જવામાં નહિ પરંતુ આવવામાં ૯ાા કિ.મી.નો રૂટ વધી જવા પામ્યો છે અને તેના પરિણામે આજથી ભાડામાં પણ વધારો ઝીંકાયાનું ડિવીઝનલ નિયામક શ્રી કલોતરાએ આજે સવારે 'અકિલા'ને જણાવ્યુ હતું.

તેમણે ઉમેર્યુ હતુ કે આવતી કુલ ૨૭૦ બસોના ભાડામાં રૂા. ૮ થી ૧૨નો વધારો કરાયો છે. ગોેંડલ, જેતપુર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, જેતપુર સહિતના રૂટ પરથી રાજકોટ આવતી કુલ ૨૭૦ બસોના ભાડામાં વધારો કરાયો છે. આવનારી આ આ તમામ બસો ગોંડલ-શાપર વેરાવળ, પારડી, કોરાટ ચોક, કાંગશીયાળી ચોકડી, ટીલાળા ચોક, વેગળ ચોક, સાવન સર્કલ, બાપા સીતારામ સર્કલ, મવડી ચોકડી, ગોંડલ ચોકડી બાયપાસ, એસટી વર્કશોપ, પીડીએમ, નાગરીક બેંક અને રાજકોટ બસપોર્ટનો સમાવેશ થાય છે. કુલ ૯.૬૦ કિ.મી.નો વધારો થયો છે તથા ૧.૫ સ્ટેજનો પણ વધારો થયાનું ઉમેરાયુ છે.

દરમિયાન શ્રી કલોતરાએ ઉમેર્યુ હતુ કે હાલ ટ્રાફીક સ્થિર છે. રોજની ૪૨ થી ૪૫ લાખની આવક છે. નવરાત્રી બાદ દિપાવલી તહેવારોમાં એકસ્ટ્રા બસો દોડાવવા અંગેનો કાર્યક્રમ ગોઠવાશે.

(11:39 am IST)