રાજકોટ
News of Friday, 12th October 2018

મંદીનું ગ્રહણઃ શુકનવંતા નોરતામાં પણ મિલ્કતના દસ્તાવેજ નોંધણીમાં ઘટાડો

સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી માટે પક્ષકારોની લાંબી લાઇનોના દ્રશ્યો અદ્રશ્ય થઇ ગયા : છેલ્લા ૩ દિ'માં ઝોન-૪માં-૧૧૦, ઝોન-૬માં-૭૬, ઝોન-રમાં-૧૯૩, ઝોન-૧માં-૧૭૬, ઝોન-૮માં-પ૬ અને ઝોન-૭માં-૬૩ તથા ઝોન-૩માં-૧૧૬ દસ્તાવેજો થયાઃ વિંછીયા અને જામકંડોરણામાં છેલ્લા ૩ દિ'માં ફકત ૩ થી ૪ દસ્તાવેજો થયાઃ દસ્તાવેજ નોંધણીમાં ૩૦ થી ૩પ ટકાનો ઘટાડો

રાજકોટ, તા., ૧રઃ રીયલ એસ્ટેટમાં છેલ્લા ઘણા સમયથી લાગેલુ મંદીનું ગ્રહણ શુકનવંતા મુહુર્તોમાં પણ યથાવત રહયું છે. શુકનવંતા નોરતામાં સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજોની નોંધણી માટે પક્ષકારોની લાંબી લાઇનોના દ્રશ્યો જોવા મળતા હતા તે હવે અદ્રશ્ય થઇ ગયા છે.

રીયલ એસ્ટેટમાં મંદીનું વાવાઝોડુ યથાવત છે પરંતુ શુકનવંતા મુહુર્તોમાં પક્ષકારો દસ્તાવેજો માટે પડાપડી કરતા હોય છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમાં શુકનવંતા નોરતામાં મિલ્કતોના દસ્તાવેજો કરવા માટે પક્ષકારોની લાંબી લાઇનો લાગતી હોય છે. મંદી હોય કે તેજી નોરતામાં મિલ્કતોના દસ્તાવેજો કરવાની એક પરંપરા થઇ ગઇ છે. જો કે ચાલુ વર્ષે નોરતામાં દસ્તાવેજ નોંધણી માટે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં પક્ષકારો અને વકીલોની લાંબી લાઇનો અદ્રશ્ય થઇ ગયેલ છે.

રાજકોટ શહેરમાં દસ્તાવેજ નોંધણી માટે અલગ-અલગ ૮ સબ રજીસ્ટ્રાર ઝોન કચેરીઓ કાર્યરત છે. સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દૈનિક ૩૦ થી ૪પ દસ્તાવેજોની નોંધણી થતી હોય છે અને શુકનવંતા નોરતામાં આ આંકડો ડબલ થઇ જાય છે. જો કે ચાલુ વર્ષે મંદીના કારણે હાલમાં પણ ૩૦ થી ૬૦ જ મિલ્કતોના દસ્તાવેજો થઇ રહયા છે.  રાજકોટના નોંધણી નિરીક્ષક એસ.એન.સવાણીના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસમાં સબ રજીસ્ટ્રાર ઝોન કચેરી -૪ (રૈયા) માં ૧૧૦ દસ્તાવેજ, ઝોન કચેરી-૬ (મવડી)માં ૭૬ દસ્તાવેજ, ઝોન કચેરી-ર (કોઠારીયા)માં ૧૯૩ દસ્તાવેજ, ઝોન-૧માં (જુનુ રાજકોટ)માં ૧૭૬ દસ્તાવેજ, ઝોન-૮ (ગ્રામ્ય વિસ્તાર)માં -પ૬ દસ્તાવેજ, ઝોન-પમાં (મૌવા)માં ૮૯ ઝોન-૭માં ૬૩, તથા સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-૩ માં ૧૧૬  મિલ્કતોના દસ્તાવેજોની નોંધણી થઇ છે.

તેવી જ રીતે જીલ્લામાં  છેલ્લા ૩ દિવસમાં જસદણમાં ૪૧, કોટડા સાંગાણીમાં પ૪, જામકંડોરણામાં-૪, ધોરાજીમાં ૩૯, ઉપલેટામાં ૪૪, વિંછીયામાં૩, જેતપુરમાં ૮૭, ગોંડલમાં ૧૧૩, પડધરીમાં ર૪ તથા લોધીકામાં પ૧ મિલ્કતોના દસ્તાવેજોની નોંધણી થઇ છે.

રીયલ એસ્ટેટમાં મંદીને કારણે શુકનવંતા નોરતામાં  મિલ્કતોના દસ્તાવેજોની  નોંધણીમાં ૩૦ થી ૩પ ટકાનો ઘટાડો થયો છે. આગામી દિવસોમાં હજુ પણ આ આંકડો ઘટે તેવી શકયતા છે.

(4:34 pm IST)