રાજકોટ
News of Friday, 12th October 2018

પાંચ વર્ષ પહેલાની સોની વેપારી સાથે પંદર લાખની ઠગાઇમાં પ્રશાંત બંગાળી ઝડપાયો

બંગાળી શખ્સ સોની બજારમાં આવતા એ ડીવીઝન પોલીસે દબોચ્યો

રાજકોટ તા. ૧રઃ ભુપેન્દ્ર રોડ પર સ્વામીનારાયણ મંદીર સામે આવેલ દેવ દર્શન કોમ્પ્લેક્ષમાં સોની વેપારી સાથે પાંચ વર્ષ પહેલા રૂ. ૮.ર૩ લાખની ઠગાઇ કરનાર બંગાળી શખ્સને એ ડીવીઝન પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ પ્રહલાદ પ્લોટ શીવ શકિત પેલેસમાં રહેતા અને ભુપેન્દ્ર રોડ પર દેવ દર્શન કોમ્પ્લેક્ષમાં બીજા માળે 'શિવ શકિત ગોલ્ડ' નામની દુકાન ધરાવતા ભાવેશભાઇ ઉર્ફે ભાનુપ્રસાદ જગદીશચંદ્ર જાની (ઉ.વ.૪૧) એ ગત તા. ૬/૬/૧૪ના રોજ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા. ૧ર-૩-૧૪ના રોજ પોતે પ્રશાંત બંગાળી કે જે પેલેસ રોડ જવલંત વિલા એપાર્ટમેન્ટમાં સેલરમાં દુકાન ભાડે રાખી સોનાના દાગીના બનાવવાનું કામ કરતો હતો તે તેના વતનના મજૂરો રાખી ઘરેણા બનાવવાનું કામ કરતો હોઇ, જેથી પોતે આ પ્રશાંતને ઘરેણા બનાવવા માટે ર૪ કેરેટ સોનું જેની કિંમત અંદાજે રૂ. ૬,૮૬,૦૦૦ ના ઘરેણા બનાવવા આપ્યા હતા. બાદ મિત્ર યોગેશભાઇ રાધનપુરાએ પણ પોતાના ઘરેણા પ્રશાંત બંગાળીને બનાવવા માટે આપ્યા હતા. રૂ. ૮.ર૩ લાખના ઘરેણા પરત માંગતા પ્રશાંત બંગાળીએ ગત તા. ૩૦/૩/૧૪ના રોજ ઘરેણા આપી દેવાનો વાયદો કર્યો હતો. ગત તા. ર૩/૩/૧૪ના રોજ પ્રશાંત બંગાળીના કારીગરે ફોન કરીને કહેલ કે, પ્રશાંતે સવારથી દુકાન ખોલી નથી જેથી તુરત જ તેની દુકાને જતા દુકાન બંધ હતી. તપાસ કરતા આ પ્રશાંત બંગાળી ભાગી ગયો હોવાનું જાણવા મળતા પોતે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. દરમ્યાન ગઇકાલે આ પ્રશાંત બંગાળી રાજકોટ સોની બજારમાં આવ્યો હોવાની બાતમી મળતા પી.આઇ. એન. કે. જાડેજા તથા પી.એસ.આઇ. એસ. વી. સાખરા તથા ભરતસિંહ, ઇન્દ્રજીતસિંહ મેરૂભા, હારૂનભાઇ, કરણભાઇ સહિતે પ્રશાંત બ્રીજપાલ મંડલ (ઉ.વ. ૩૯) (રહે. મૂળ પ. બંગાળ હાલ રાજકોટ પેલેસ રોડ જયવંત વિલા એપાર્ટમેન્ટ), સોની બજારમાંથી ઝડપી લઇ પૂછપરછ આદરી છે.

(3:48 pm IST)