રાજકોટ
News of Friday, 12th October 2018

ખેડૂતોના પાણી પત્રકની કામગીરી ૮ દિ'માં પૂરી કરોઃ કલેકટરની જીલ્લાના તમામ પ્રાંતને આદેશો

જસદણ-જામકંડોરણામાં શ્રેષ્ઠ કામગીરીઃ પાક વિમાનો પ્રશ્ન ઉદ્દભવે ત્યારે પાણી પત્રક ફોર્મ નં. ૧ર અત્યંત જરૂરી

રાજકોટ તા. ૧રઃ રાજકોટ જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ એક મહત્વના પરીપત્ર દ્વારા ખેડૂતોના પાણી પત્રકની કામગીરી ૮ દિ'માં પૂરી કરી લેવા જીલ્લાના દરેક પ્રાંત અધીકારી ઉપરાંત ટીડીઓ-ડે. ટીડીઓ, મામલતદાર, તલાટીઓને આદેશો કર્યા છે.

અત્રે એ નોંધનીય છે કે કોઇપણ તાલુકાના ગામમાં પાક વિમાનો પ્રશ્ન ઉદ્દભવે અને ખેતીવાડી ખાતુ પાક વિમા અંગે દરખાસ્ત કરતું હોય ત્યારે ખેડુતો માટેના પાણી પત્રક ફોર્મ નં. ૧ર અત્યંત જરૂરી છે, અને પરીણામે કલેકટરશ્રીએ દરેક તાલુકામાં આ કામગીરી ૮ દિ'માં પૂરી કરી લેવા સુચના આપી છે.

દરમિયાન એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ ''અકિલા''ને જણાવ્યું હતું કે, પાણી પત્રકમાં શું પાક છે, કેટલા એકરમાં વાવેતર સહિતની બધી ડીટેઇલ આવી જાય છે. મહેસૂલી વર્ષ ૩૧ ઓગષ્ટનું ગણાય છે, ર૦૧૭-ર૦૧૮માં જસદણ-જામકંડોરણા તાલુકાની શ્રેષ્ઠ કામગીરી રહી છે, અને અન્ય તાલુકાએ આ કામગીરી શરૂ કરી દીધી છે, અને આ કામગીરી ઝડપથી અને ૮ દિ'માં પૂર્ણ કરી લેવા કલેકટરે આદેશો કર્યા છે.

(3:34 pm IST)