રાજકોટ
News of Thursday, 12th September 2019

પડધરીના અસરગ્રસ્તોને હજુ રોકડ સહાય મળી જ નથી !

સામાન્ય સભામાં પડઘો પાડતા ભાનુબેન અને લલિત કગથરા : ડી.ડી.ઓ.એ કહ્યુ ટી.ડી.ઓ.ને સત્તા આપી છે, ટી.ડી.ઓ. કહે મને સત્તા મળી નથીઃ સાચુ કોણ ? શ્રીમતી તળપદાનો આક્રોશ

રાજકોટ, તા. ૧૨ :. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પડધરીના ભારે વરસાદથી અસરગ્રસ્ત ૧૧૬ પરિવારોને કેશડોલ્સ ન મળ્યા અંગે આજે ધારાસભ્ય લલિત કગથરા અને પંચાયતના સભ્ય શ્રીમતી ભાનુબેન ધીરૂભાઈ તળપદાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો.

ગયા મહિને પૂર આવ્યુ અને પડધરી શહેરના ૧૧૬ પરિવારોની ઘરવખરી સંપૂર્ણ સાફ થઈ ગઈ હોવા છતા આજ સુધી તેમને શા માટે કેશડોલ્સ ચુકવાયેલ નથી ? તેવો પ્રશ્ન ભાનુબેને ઉઠાવેલ. લલિત કગથરાએ તેમા સૂર પુરાવીને જણાવેલ કે સદરહુ વિસ્તાર મારા મતક્ષેત્રમાં આવે છે. અસરગ્રસ્ત વિસ્તાર અને લોકોની મેં જાત મુલાકાત લીધી છે. લોકો જ્યારે આવી ઘટનામાં સાવ નિઃસહાય થઈ જાય ત્યારે તેને તાત્કાલીક રાહત માટે રોકડ સહાય ચૂકવવાની જોગવાઈ છે. આટલા બધા દિવસો થઈ ગયા છતાં તેને રોકડ સહાય મળી નથી તે દુઃખદ છે.

ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસીયાએ જણાવેલ કે, રોકડ સહાય ચૂકવવાની સત્તા મેં ટી.ડી.ઓ.ને આપી દીધી છે. એકદમ ટૂંક સમયમાં મળી જશે.

સામાન્ય સભા બાદ ધીરૂભાઈ તળપદાએ ટી.ડી.ઓ.ને ફોન કરી આ બાબતે પૂછતા ટી.ડી.ઓ.એ પોતાને આવી કોઈ સત્તા સુપ્રત થયાનું નકાર્યુ હતું. ફરી પ્રતિનિધિ મંડળ ડી.ડી.ઓ.ને મળવા તેમણે વિધિવત હુકમ આજે જ થઈ જશે તેમ આશ્વાસન આપ્યુ હતું.

ભાનુબેન તળપદાએ જણાવેલ કે, ડી.ડી.ઓ. સત્તા આપી દીધાનું જણાવે છે. ટી.ડી.ઓ. સત્તા મળ્યાનું નકારે છે. ખરેખર સાચુ કોણ ? તે નક્કી કરવુ પડે તેમ છે. ડી.ડી.ઓ.એ સત્તા ન આપી હોય છતાં સત્તા આપી દીધાનુ સામાન્ય સભામાં જણાવેલ. જો આ બાબત સાચી હોય તો તેમણે સામાન્ય સભાને ગેરમાર્ગે દોરી ગણાય. અસરગ્રસ્તોને હવે વિના વિલંબે મળવા પાત્ર સહાય મળે તે જરૂરી છે.

(3:55 pm IST)