રાજકોટ
News of Thursday, 12th September 2019

સૌરાષ્ટ્રના ઈતિહાસની જાળવણીનો આ સર્વોત્તમ પ્રયાસ છેઃ વિજયભાઈ

શહેરને કલાત્મક ભેટઃ ''કલા સ્ટેશન''નો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થયેલો શુભારંભઃ ''સોરઠી ડાયરીઝ''નું મંચન

રાજકોટ, તા.૧૨: રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટની કલેકટર કચેરી ખાતે નિર્માણ થયેલા 'કલા સ્ટેશન'નું લોકાર્પણ કર્યુ હતું.

રાજકોટના તત્કાલિન કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ ''સ્વાન્તઃ સુખાય'' પ્રોજેકટ હેઠળ રાજય સરકારના સહયોગથી કલેકટર કચેરીના પ્રાંગણમાં જ સંપૂર્ણ સુવિધાયુકત ''કલા સ્ટેશન'' નામના ઓપન એર થીયેટરનું નિર્માણ કરવાના ઓરતા સેવ્યા હતા, જે આજે સાકાર થયા હતા.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે ઉ૫સ્થિત રાજકોટના કલારસિક પ્રેક્ષકોને સંબોધતાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ઇતિહાસની જાળવણીનો આ એક સર્વોત્તમ પ્રયાસ છે, જેને તમામ કલાકારોએે પોતાની ઉત્તમ કલાથી નિખાર્યો છે. પોતાને સોંપાયેલા કામથી કંઇક અનોખું કરવાના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પથી પ્રેરાઇને રાજકોટના તત્કાલીન કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ સેવેલા ''કલા સ્ટેશન''ના સ્વપ્નને આજે સાકાર સ્વરૂપ મળ્યું છે, તે જોવા માટે રાજકોટવાસીઓ નસીબદાર છે. કલેકટરશ્રીનો આ પ્રયાસ રાજકોટની જનતા માટે નવા ઉત્સાહ અને જોશનું ઉદગમસ્થાન બનશે, તેવો વિશ્વાસ પણ આ તકે મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ વ્યકત કર્યો હતો, અને સમગ્ર આયોજન બદલ જિલ્લા વહીવટીતંત્રની પીઠ થાબડી હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તમામ કલાકારોનું સ્મૃતિચિહન એનાયત કરી સન્માન કર્યું હતું.આ પ્રસંગે ''સોરઠી ડાયરીઝ''નામના અદભૂત નાટય શોનું આયોજન કરાયુ હતું, જેમાં ઝવેરચંદ મેઘાણીના પાત્રમાં જાણીતા લોકગાયક ઓસમાણ મીર, કવિશ્રી રમેશ પારેખના પાત્રમાં જાણિતા યુવા કવિશ્રી અંકિત ત્રિવેદી, ચારણ કન્યાના પાત્રમાં આર.જે.દેવકી, રાજા ભગવતસિંહજીના પાત્રમાં જાણીતા કટાર લેખકશ્રી જય વસાવડા, હેમુ ગઢવીના પાત્રમાં કીર્તિદાન ગઢવી, હમીરસિંહ તરીકે સાંઇરામ દવે, મહાત્મા ગાંધી તરીકે વીરલ રાચ્છ તથા ગુજરાતના આદિ કવિશ્રી નરસિંહ મહેતાના પાત્રમાં જાણીતા કલાકારશ્રી શર્મન જોષીએ કલાનાં અદભૂત કામણ પાથર્યા હતા.

વરસાદી વાતાવરણને અનુલક્ષીને પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ દિપપ્રાગટય કરી ઉદદ્યાટન કર્યુ હતું. જિલ્લા વહીવટી તંત્ર તરફથી વર્તમાન કલેકટર સુશ્રી રેમ્યા મોહન તથા પૂર્વ કલેકટરશ્રી ડો. રાહુલ ગુપ્તા સહિતના અધિકારીગણે મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છ તથા સ્મૃતિચિહનન આપી અભિવાદન કર્યુ હતું.આ કાર્યક્રમમાં સંસદસભ્યશ્રી મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા તથા અરવિંદભાઇ રૈયાણી, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી કમલેશ મિરાણી,  પ્રદેશ અગ્રણીશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, શ્રીમતી અંજલિબેન રૂપાણી, ભાજપ પ્રવકતા શ્રી રાજુભાઇ ધ્રુવ, ડે મેયરશ્રી અશ્વિન મોલિયા, પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, પૂર્વ કમિ.શ્રી બંછાનિધિ પાની, નિવાસી અધિક કલેકટરશ્રી પરિમલ પંડ્યા, ડે કમિ.શ્રી ચેતન નંદાણી તથા ચેતન ગણાત્રા, તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:46 pm IST)