રાજકોટ
News of Thursday, 12th September 2019

લાખોના સોનાના ઘરેણાની છેતરપીંડીના કેસમાં આરોપીની જામીન અરજી નામંજુર

રાજકોટ તા.૧૨: રાજકોટ સોનીબજાર ખાતે ચકચારી લાખો રૂપિયાના સોનાના ઘરેણાની છેતરપીંડી  અને વિશ્વાસઘાતના ગુન્હામાં પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન નામંજુર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કામે ફરીયાદીની ટુંકી વિગત એવી છે કે, શહેરના કેનાલ રોડ ઉપર આવેલ કુંભારવાડામાં રહેતા મુજબુલ સુફુરઅલી મલીક નામના બંગાળી સોની કારીગરની આરોપી સંજય કનુભાઇ લોઢીયા નામના સોનાના વેપારીએ આરોપી કીરીટ પ્રભુદાસ ફીચડીયા સાથે ઓળખાણ કરાવેલી હતી. ત્યારબાદ સોનાના કારીગરને સોનાના દાગીનાનો ઓર્ડર આપ્યો હતો. જે દાગીના તૈયાર હોય ગત તા.૩૧-૮-૨૦૧૯ના રોજ આરોપીઓએ આ સોનાના દાગીના અન્ય વેપારીઓએ બતાવવા માટે લઇ જઇ આ કામના ફરીયાદી સાથે લાખોની છેતરપીંડી અને વિશ્વાસઘાત કરેલો હતો.

આ અંગે ભકિતનગર પોલીસે આઇ.પી.સી.કલમ-૪૦૬,૪૨૦ અન્વયે ફરીયાદ નોંધીને પી.એસ.આઇ.પી.બી.જેબલીયાએ આરોપી કીરીટભાઇ પ્રભુદાસ ફીચડીયાની ધરપકડ કરેલ અને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરેલ. જેમાં ઉભય પક્ષોની રજુઆત અને મુળ ફરીયાદી તરફે થયેલ લેખિત રજુઆતને ધ્યાને લઇ કોર્ટે આરોપી કીરીટભાઇની ૩-દિવસના અને આરોપી સંજયભાઇની ૨-દિવસની પોલીસ રીમાન્ડ મંજુર કરેલા.

રીમાન્ડ પુરી થતા આરોપીને કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરતાં બંને પક્ષોની રજુઆત થતા મુળ ફરીયાદી તરફે રજુ થયેલ જામીન અરજી વિરૂધ્ધના લેખિત વાંધાઓ ધ્યાને લઇને જજ શ્રી એન.આર.વધવાણીએ આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરેલ છે.

આ કામે સરકારી વકીલ શ્રી એચ.ડી.ચૌધરી તથા કે.જી.ગૌસ્વામી તેમજ મુળ ફરીયાદી વતી વકીલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદિપસિંહ જાડેજા, ભરત સોમાણી અને હનીફભાઇ કટારીયા રોકાયેલા હતા.

(3:43 pm IST)