રાજકોટ
News of Thursday, 12th September 2019

લાલપરીમાં ગઢવી યુવાન દેવાંગ નૈયાનું ડૂબી જતાં મોત

ગણપતિ વિસર્જન માટે ગયાની વાતો વચ્ચે સ્વજનોએ કહ્યું મિત્રો સાથે ન્હાવા માટે ગયો ને ઘટના બની : કોલેજનો અભ્યાસ છોડી હાલમાં નવાગામમાં પિતા સાથે પાનની દૂકાને બેસતો'તોઃ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૨: આજે ગણપતિ વિસર્જન હોઇ નક્કી થયેલા પાંચ સ્થળોએ પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડૂબવાની કે બીજી અઘટીત ઘટનાઓ ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. આ વચ્ચે બપોરે લાલપરી તળાવમાં ડૂબી જતાં નવાગામના ૧૮ વર્ષના ગઢવી યુવાન દેવાંગ અરવિંદભાઇ નૈયા (ઉ.૧૮)નું મોત નિપજ્યું છે. ગણપતિ વિસર્જન માટે આ યુવાન ગયાની વાતો વહેતી થઇ હતી. પણ સ્વજનોએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે દેવાંગ તેના પાંચ મિત્રો સાથે ન્હાવા જતાં આ બનાવ બન્યો હતો.

લાલપરીમાં એક યુવાન ડૂબ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઇ હતી અને બી-ડિવીઝન પોલીસ મથકના પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, પીએસઆઇ આર. આર. રાઠોડ તથા મહેશભાઇ રૂદાલતા પણ પહોંચી ગયા હતાં. તરવૈયાઓએ યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. તેના સ્વજનો ત્યાં હાજર હોઇ આ યુવાન નવાગામ શકિત સોસાયટી-૮માં રહેતો દેવાંગ અરવિંદભાઇ નૈયા હોવાનું ખુલ્યું હતું. તે બે ભાઇમાં મોટો હતો અને અગાઉ જુનાગઢ રહી સ્વામિનારાયણ ગુરૂકુળમાં કોલેજમાં અભ્યાસ કરતો હતો.

જો કે હાલમાં અભ્યાસ મુકી દીધો હતો અને નવાગામમાં પિતા સાથે સંતોષ પાન નામની દૂકાને બેસતો હતો. આજે બીજા ચાર-પાંચ મિત્રો બપોરે લાલપરી તળાવે ન્હાવા જતાં હોઇ દેવાંગ પણ તેની સાથે ગયો હતો. બધા ન્હાવાની મોજ માણી રહ્યા હતાં ત્યારે દેવાંગ ઉંૅડા પાણીમાં ગરક થઇ ગયો હતો અને કાળ ભેટી ગયો હતો.

યુવાન ગણપતિ વિસર્જન માટે ગયાની વાતો સોશિયલ મિડીયામાં વહેતી થઇ હતી. પરંતુ મૃતકના સ્વજનોએ તે ન્હાવા જતાં ડુબી ગયાનું જણાવ્યું હતું. લાલપરી ખાતે વિસર્જનની મંજુરી તંત્રએ આપી નથી.

(3:43 pm IST)