રાજકોટ
News of Thursday, 12th September 2019

હેલ્મેટનો કાળો કાયદો હટાવો : ઈન્દ્રનીલ રાજયગુરૂ મેદાનમાં

ફરજીયાત હેલ્મેટ વિરોધી લડત સમિતિ ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂના નેતૃત્વમાં સરકારને જોરદાર લડત આપશે : તંત્રને લોકોના માથાની જ ઉપાધી હોય તો માત્ર હાઈવે ઉપર જ આ નિયમ લાગુ કરો, શહેરમાં આવો કાયદો હટાવી લોકોના ખિસ્સા ખંખેરવાનું બંધ કરો : મુખ્યમંત્રીના ગામના લોકો ઉપર સંવેદનશીલતા દાખવો

રાજકોટ, તા. ૧૨ : સરકાર દ્વારા હેલ્મેટનો કાળો કાયદો અમલ કરાતા હજ્જારો લોકોના ખિસ્સા હળવા થઈ રહ્યા છે. દંડની રકમમાં પણ વધારો કરાતા લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે. નાના પગારદારો અને નાના ધંધાર્થીઓ હાલમાં પોતપોતાના કામધંધા પડતા મૂકી પીયુસી, લાયસન્સ, વિમા કઢાવવા જેવી કામગીરીમાં પડી ગયા છે. દરમિયાન ફરજીયાત હેલ્મેટ વિરોધી લડત સમિતિ રાજકોટ હવે શ્રી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂના નેતૃત્વમાં મેદાનમાં આવી ગયા છે. આ સમિતિ હેલ્મેટના કાળા કાયદાનો વિરોધ કરી લડત આદરશે. રાજકોટ શહેરમાં બેફામ રીતે હેલ્મેટ ન પહેરવા બદલ શહેરીજનોને જે ઈ-મેમાઓ આપવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરવા નાગરીકોના હિતાર્થે આ સમિતિ લડત આદરશે તેમ જણાવાયુ છે.

અકિલા કાર્યાલયની મુલાકાતે આવેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને જાહેર જીવનના અગ્રણી એવા શ્રી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ જણાવ્યુ હતું કે હેલ્મેટના કાયદાના ભંગ બદલ લાખો રૂપિયા રાજકોટના નાગરીકોના ખંખેરી લેવાયા છે. શાસકોએ કોઈ કાયદો આર્થિક ઉપાર્જનનું સાધન બને તે પ્રકારે લોકોને આર્થિક દંડ ન કરવો જોઈએ. રાજા વેપારી, તેની પ્રજા ભિખારી તે ઉકિતને પ્રજા સાર્થક કરતી હોય તેવી રીતે હેલ્મેટ ન પહેરવા બદલ હજારો નાગરીકોને લાખો રૂપિયાના દંડના મેમા ફટકારવામાં આવી રહ્યા છે જે અન્યાયી અને અસહ્ય છે.

રાજકોટ શહેરની અંદર હેલ્મેટને ફરજીયાત કરવાનું જે કાયદો છે તે સંપૂર્ણ રીતે અન્યાયી છે. હેલ્મેટ એ નાગરીકોની સલામતી માટે પહેરવો જોઈએ તેવી તંત્ર અને સરકારની દલીલ છે જેની સામે શ્રી રાજયગુરૂએ જણાવેલ કે શહેરમાં સ્પીડ લીમીટ વધારેમાં વધારે ૨૫ થી ૩૦ કિ.મી.ની હોય છે જેમાં ગંભીર અકસ્માત થવાની શકયતાઓ નહિવત છે ત્યારે નાગરીકોને ફરજીયાત હેલ્મેટ પહેરવા આગ્રહ રાખવો તે સંપૂર્ણ રીતે અન્યાયી અને નાગરીકોને પરેશાન કરનારો કાયદો છે. શહેરી વિસ્તારમાં આવો કાયદો હોવો જ ન જોઈએ.

ઈન્દ્રનીલભાઈએ વધુમાં જણાવ્યુ હતું કે તંત્રને જો નાગરીકોના માથાની જ ઉપાધી હોય તો આવો કાયદો માત્ર હાઈવે ઉપર જ લાગુ કરવો જોઈએ. શહેરમાં આવો કાયદો હટાવી લોકોના ખિસ્સા ખંખેરવાનું બંધ કરવુ જોઈએ. મુખ્યમંત્રી શ્રી રાજકોટ શહેરના જ હોય શહેરીજનો ઉપર સંવેદનશીલતા દાખવવી જોઈએ.

રાજકોટ શહેરના હજારો નાગરીક ફરજીયાત હેલ્મેટના કાયદાથી ભારે ભયભીત છે. ગઈકાલે જ મુખ્યમંત્રી શ્રી રાજકોટ આવેલા. તેઓને મળીને રજૂઆત કરવા માટે સમય માગ્યો હતો, આમ છતાં સમય આપવામાં આવ્યો ન હતો. સામાન્ય નાગરીકોના ઘરનું બજેટ ખોરવનાર ફરજીયાત હેલ્મેટનો કાયદો છે તે કાળા કાયદા સમાન છે. છેલ્લા કેટલાક સમયથી અમુક પરિવારને ૪-૪ મેમા આવ્યા છે. જેના લીધે મધ્યમવર્ગીય પરીવારોનું આર્થિક બજેટ પણ ખોરવાઈ ગયુ છે અને નોકરી ધંધે જતા સામાન્ય નાગરીકને હેલ્મેટ સાચવવાની કડાકૂટ પણ નાગરીકોને અકળાવનારી હોય છે ત્યારે શહેરી વિસ્તારમાં ફરજીયાત હેલ્મેટનો કાયદો સરકારે રદ્દ કરવો જોઈએ. તેઓએ વધુમાં જણાવેલ કે, જો તંત્રને નાગરીકોના માથાની જ ઉપાધી હોય તો આ નિયમ માત્ર હાઈવે ઉપર જ અમલમાં લાવવો જોઈએ. એક સપ્તાહમાં આ કાળો કાયદો હટાવવામાં નહિં આવે તો જનઆંદોલનની ચિમકી આપવામાં આવી છે.

અકિલા કાર્યાલયની મુલાકાતે ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂની સાથે તેની ટીમના અશોકભાઈ પટેલ, નરેન્દ્રસિંહ તલાટીયા, યુવરાજસિંહ ડોડીયા, કાનાભાઈ આહિર, અતુલભાઈ રાજાણી, દિલીપભાઈ આસવાણી, ઈન્દુભા રાઓલ, હેમત વીરડા, ગૌરવ પૂજારા, યતીન વાઘેલા, ગજેન્દ્રસિંહ ઝાલા, રાજભા ઝાલા, વશરામભાઈ સાગઠીયા, કાનાભાઈ આહિર, જીજ્ઞેશ કાલાવડીયા, દીલીપભાઈ આસવાણી, યુવરાજસિંહ ડોડીયા, અંકુરભાઈ ગજ્જર, જયરાજસિંહ જાડેજા, હેમતભાઈ વીરડા, પ્રવિણસિંહ સિંધવ, મહેન્દ્રસિંહ તલાટીયા, જયંતિભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)

ફરજીયાત હેલ્મેટનો કાયદો અન્યાયી અને નાગરીકોને પરેશાન કરનારો : અશોક પટેલ

રાજકોટ : સ્વરાજ સમિતિના શ્રી અશોકભાઈ પટેલે ફરજીયાત હેલ્મેટનો કાયદો અન્યાયી અને નાગરીકોને પરેશાન કરનારો હોવાનું જણાવ્યુ છે. તેઓએ જણાવેલ કે, દરેક વ્યકિતને પોતાના હિત અને અહિતની ખબર છે. સરકાર આવા કાયદા લાવી લોકોને ગુલામ બનાવવા માગે છે. લોકોએ જ આવા કાયદાનો વિરોધ કરવો જોઈએ. હેલ્મેટ ન પહેરનાર ગુનેગાર નથી પણ બીજાના ગુનાનો ભોગ બને છે.

(3:40 pm IST)