રાજકોટ
News of Thursday, 12th September 2019

પાળ જખરાપીર તરફ ગણપતિ વિસર્જન માટેના ઉબડ ખાબડ રસ્તાને તાલુકા પોલીસ મથકની ટીમે કર્યો તાબડતોબ રિપેર

મુખ્ય માર્ગ પર મોટા ખાડા, પાણી ભરેલા હતાઃ વાહનો ખુંચી જવાનો ભય હતો : પોલીસ લાઠી-પિસ્તોલ મુકી રસ્તા રિપેરીંગના કામે વળગ્યાની તસ્વીરો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં વિરડા વાજડીના ભરતભાઇ હુંબલ માણસો સાથે પહોંચ્યા અને પોતાના ખર્ચે કપચી-મેટલ ઠાલવી કામચલાઉ રસ્તો ઉભો કર્યો

રાજકોટઃ ગણપતિ ઉત્સવ આજે પૂર્ણ થતો હોઇ ભાવિકો ઠેર-ઠેરથી વિસર્જન માટે પોલીસ તંત્ર દ્વારા નક્કી થયેલા પાંચ સ્થળોએ જવા સવારથી જ નીકળી પડ્યા હતાં. વિસર્જનના સ્થળોએ ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. જે પાંચ સ્થળ નક્કી થયા હતાં તે પૈકીના પાળથી જખરાપીર તરફ જવા માટેના મુખ્ય માર્ગ પર જ વરસાદને કારણે મોટા ખાડા પડી ગયા હોઇ અને પાણી ભરેલા હોઇ આ રસ્તા પરથી જો બાપ્પાની મુર્તિઓ સાથેના વાહનોમાં ભાવિકો પસાર થાય તો વાહનો પલ્ટી ખાઇ જાય અથવા તો ફસાઇ જાય તેવો ભય હોઇ તાલુકા પી.આઇ. વી. એસ. વણઝારા અને ટીમ સવારે રસ્તાનું નિરીક્ષણ કરવા ગયા ત્યારે ગંભીરતા ધ્યાને આવતાં પોતાની ટીમ સાથે મળી ખાડાઓ બુરવાની કામગીરી શરૂ કરાવી હતી. આ તસ્વીરો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં વિરડા વાજડીના શ્રી ચામુંડા એન્ટરપ્રાઇઝના માલિક ભરતભાઇ હુંબલ પોતાના માણસો સાથે કપચી અને મેટલની સામગ્રી લઇ પહોંચ્યા હતાં અને તાબડતોબ વાહનો સરળતાથી આવ-જા કરી શકે તેવો મેટલ રસ્તો બનાવી દીધો હતો.

(3:34 pm IST)