રાજકોટ
News of Thursday, 12th September 2019

માહી મિલ્કનો નફો ૩૦ કરોડને પાર

કંપનીની આઠમી વાર્ષિક સાધારણ સભા સંપન્નઃ શેરદીઠ રૂ.૮નું ડિવીડન્ડ જાહેર

રાજકોટઃ દૂધ ઉત્પાદકોની પોતાની કંપની માહી મિલ્ક પ્રોડ્યૂસર કંપની લિમિટેડની આઠમી વાર્ષિક સાધારણ સભા શ્રી અટલ બિહારી બાજપાયી ઓડિટોરીયમ, પેડક મેઇન રોડ, રાજકોટ ખાતે યોજાઇ હતી. દૂધ ઉત્પાદક સભ્યોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલી આ વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન શ્રીમહૈન્દ્રસિંહ જાડેજાએ ગત નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન કંપનીએ સાધેલા વિકાસની રૂપરેખા રજૂ કરી હતી. કંપનીએ ગત નાણાંકીય વર્ષ દરમિયાન રૂપિયા ૧૪૫૯.૪૬ કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે. જ્યારે કરવેરા પહેલા રૂપિયા ૩૦.૫૬ કરોડનો નફો નોંધાવ્યો છે. કંપનીના નફાને ધ્યાને લઇને ડીરેકટરોએ રૂ.૧૦૦/-ના એક એવા ઇકિવટી શેર પર શેર દીઠ રૂ.૮/-નું ડિવિડન્ડ ચુકવવા ભલામણ કરી હતી જેને આ સભામાં મંજૂરી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૮-૧૯માં ૮.૧૨ લાખ કિલોગ્રામ દૂધ પ્રતિદિન એકત્રિત કરેલ છે અને તેની સામે ૩.૧૨ લાખ લીટર દૂધ પ્રતિદિન વેંચાણ કરેલ છે. કંપનીએ તેના દૂધ ઉત્પાદક સભ્યોને ૩૧.૧૧ કરોડ રૂપિયા ઇન્સેન્ટીવ પેટે ચુકવ્યા છે જે પૈકી કંપનીએ લીન સીઝનમાં વધુ દૂધ ભરાવતા તેના દૂધ ઉત્પાદક સભ્યોને નવતર પહેલ શરૂ કરીને ૮.૩૯ કરોડ રૂપિયા લીન ઇન્સેન્ટીવ પેટે ચુકવી દૂધ ઉત્પાદક સભ્યો પ્રત્યેની પ્રતિબધ્ધતા દર્શાવી છે.  અછતની પરિસ્થિતિને ધ્યાને લઇને કંપનીએ સમગ્ર વર્ષ દરમિયાન દૂધના પ્રોત્સાહક ભાવ આપતા દૂધ ઉત્પાદક સદસ્યોને અન્ય કરતા વધુ આર્થિક રાહત મળી શકી છે. આ ઉપરાંત, કંપનીએ  સામાજિક જવાબદારીને ધ્યાને લઇને ગત વર્ષ દરમિયાન રાજ્ય સરકારના મધ્યાહન ભોજન વિભાગ તથા સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ હેઠળ કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના બાળકો તથા મહિલાઓના પોષણ માટે પાઉચમાં ૧૦,૦૦૦ લિટર પ્રતિ દિવસ ફોર્ટીફાઇડ પાશ્ચયુરાઇઝડ ફલેવર્ડ મિલ્ક પૂરૂ પાડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારની કુપોષણ નાબુદ કરવાની ઝુંબેશમાં પણ કંપનીએ યોગદાન આપી એફ.એસ.એસ. એ.આઇ.ના ધોરણોને ઘ્યાને લઇ, સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમ વિટામિન એ અને ડી યુકત દૂધ લોન્ચ કરેલ છે જેની રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે નોંધ લઇ માહી કંપનીને અનેક સન્માનથી નવાજવામાં આવી છે. (૪.૮)

(3:33 pm IST)