રાજકોટ
News of Thursday, 12th September 2019

હેલ્મેટના બેફામ કાળાબજાર : અમલવારીમાં સમય આપો

ગ્રાહકો જ નહીં વેપારીઓ પણ લુંટાય છે : દિલ્હી મેન્યુ ફેકચરીંગવાળાઓ પાસે સ્ટોક જ નથી : વેપારીઓના કમીટમેન્ટ તોડી બમણા ભાવો વસુલાય છે : રાજકોટ સ્કુટર પાર્ટસ ડીલર્સ એસોસીએશને વ્યથા ઠાલવી : માન્ય સ્ટોર પરથી જ ખરાઇ કરીને હેલ્મેટ ખરીદવા અને ધીરજ દાખવવા અપીલ

રાજકોટ તા. ૧૨ : હેલ્મેટના કાયદાથી  લોકો તો પરેશાન થઇ ગયા છે પરંતુ સાથો સાથ વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા હોયાની યાતના રાજકોટ સ્કુટર પાર્ટસ ડીલર્સ એસોસીએશનના આગેવાનોએ વ્યકત કરી છે.

'અકિલા' ખાતે હાલની પરીસ્થિતીનો તાગ વર્ણવતા વેપારી મિત્રોએ જણાવ્યુ હતુ કે એકાએક હેલ્મેટના કાયદામાં દંડની કાર્યવાહી કડક બની જતા લોકો હેલ્મેટ ખરીદવા પડાપડી કરવા લાગ્યા છે. પરિણામે મજબુરીનો ફાયદો ઉઠાવવાવાળા લોકો પણ હરકતમાં આવી ગયા છે.

ખાસ કરીને રોડ ઉપર વહેંતા આઇ.એસ.આઇ. માર્કા વગરના હેલ્મેટનું ધૂમ વેચાણ થવા લાગ્યુ છે. બજારમાં શાક બકાલુ મળે એ રીતે હેલ્મેટ વેચવાવાળા ફુટી નિકળ્યા છે. પરીણામે અસલ માલ વેંચવાવાળા વેપારીઓની ઇમેજને ભારે માઠી અસર પહોંચી રહી છે.

આ વેપારીઓએ જણાવ્યુ હતુ કે હાલ લોકો જે રીતે મનફાવે તેવા ભાવો ચુકવીને લુંટાઇ રહ્યા છે તે રીતે વેપારીઓ પણ લુંટાઇ રહ્યા છે. કેમ કે દિલ્હીમાં જયાં મેન્યુફેકચરીંગ થાય છે ત્યાં માલનો સ્ટોક જ નથી. આખા દેશમાં એકસાથે હેલ્મેટની માંગ નિકળી પડતા અફડા તફડી મચી ગઇ છે.

જે હેલ્મેટનો ભાવ રૂ.૩૦૦ થી ૪૦૦ હોય તે વેપારીઓને પણ ઉપરથી જ રૂ. ૫૦૦, ૮૦૦ કે ૧૦૦૦ માં ધાબડવામાં આવી રહ્યો છે. વેપારીઓએ રૂ.૩૦૦ લેખે અગાઉ ઓર્ડર આપેલ હોય તે કમીટમેન્ટ તોડીને પણ ઉંચા ભાવો દિલ્હી મેન્યુફેકસરર્સવાળા વસુલી રહ્યા છે. જો વેપારી આનાકાની કરે તો ઓર્ડર કેન્સલ કરી ભરેલ રકમ પાછી દેવાની પણ ધમકીઓ પણ મળે છે.

આમ હેલ્મેટ મામલે માત્ર લોકો જ નહીં હેલ્મેટ વેંચનારા વેપારીઓ પણ મુંજવણમાં મુકાયા છે.

ત્યારે આવી પરીસ્થીતીનો કોઇ ગેરલાભ ન ઉઠાવે અને ખોટી અફડા તફડી ન થાય તે માટે હેલ્મેટની અમલવારી માટે થોડો સમય વધારવા મુખ્યમંત્રી સમક્ષ અમારી માંગણી છે. તેમ આ વેપારીઓએ જણાવેલ.

વેપારી મિત્રોએ લોકોને પણ થોડી ધીરજ ધરવા અને ગમે ત્યાંથી હેલ્મેટની ખરીદીના બદલે માન્ય હોય તેવા સ્ટોર પરથી ખરાઇ કરીને જ હેલ્મેટ ખરીદવાનો આગ્રહ રાખવા અપીલ કરી છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે હેલ્મેટના કારણે બજારમાં સર્જાયેલ પરિસ્થિતની વિગતો વર્ણવતા રાજકોટ સ્કુટર પાર્ટસ ડીલર્સ એસોસીએશનના પ્રમુખ નરેન્દ્રભાઇ માખેચા (મો.૯૮૨૪૨ ૧૨૭૨૭), ઉપપ્રમુખ મનીષભાઇ કાવ્યાણી (મો.૯૮૨૪૩ ૯૧૯૩૩), જોઇન્ટ સેક્રેટરી કમલભાઇ આહ્યા, સેક્રેટરી રાજેશષભાઇ અગ્રાવત, કમીટી મેમ્બર ફારૂકભાઇ થઇમ, શેનીતભાઇ કાવ્યાણી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:23 pm IST)