રાજકોટ
News of Thursday, 12th September 2019

હરિહર ચોકમાં રાત્રે મુંબઇની એડલવાઇઝ બ્રોકીંગ કંપનીની ઓફિસ આગમાં ખાકઃ ૩૦ લાખનું નુકસાન

જ્યાં આગ લાગી તેની ઉપરના રૂમમાં ફસાયેલા બે લોકોને ફાયર બ્રિગેડે બચાવ્યાઃ શોર્ટ સરકિટથી આગ ભભૂકયાનું બ્રાંચ મેનેજર સૂર્યકુમાર પાઠકનું કથનઃ ૭ ફાયર ફાઇટરોની ટીમોએ ભારે જહેમત ઉઠાવી આગ કાબૂમાં લીધી

જ્યાં આગ ભભૂકી એ બિલ્ડીંગ ખાતે ફાયર ફાઇટરો, ઘટના સ્થળે ફાયર બ્રિગેડના જવાનો તથા બીજા લોકો અને નીચેની તસ્વીરોમાં ઓફિસની અંદર બધુ ખાક થઇ ગયેલુ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૨: શહેરના હરિહર ચોક નજીક શ્યામ પ્રભુ એપાર્ટમેન્ટના બીજા માળે બેસતી મુંબઇની એડલવાઇઝ બ્રોકિંગ લિ. નામની શેરબજારની ઓફિસમાં મોડી રાત્રે બારેક વાગ્યે અચાનક આગ ભભૂકતાં દોડધામ મચી ગઇ હતી. શોર્ટ સરકિટથી આગ લાગ્યાનું તારણ નીકળ્યું છે. આગમાં સંપૂર્ણ ઓફિસ ખાક થઇ જતાં અંદાજે ૩૦ લાખનું નુકસાન થયું છે. ફાયર બ્રિગેડને જાણ થતાં ૭ ફાયર ફાયટરોની ટીમોએ પહોંચી દોઢેક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. બે વ્યકિત ત્રીજા માળે ફસાયેલી હોઇ તેને ફાયર બ્રિગેડના જવાનોએ બચાવી લીધા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ હરિહર ચોકમાં આવેલી એડલવાઇઝ બ્રોકિંગ લિ.ની ઓફિસમાં આગ લાગ્યાની જાણ થતાં સાત ફાયર ફાયટરો પહોંચ્યા હતાં. તેમજ બે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે દોડાવાઇ હતી. શ્યામ પ્રભુ એપાર્ટમેન્ટના બીજા માળે આવેલી ઓફિસમાં આગ લબકારા મારતી હોઇ અને ત્રીજા માળે બે વ્યકિત ફસાયેલી જણાતાં ફાયર બ્રિગેડની ટીમોએ પ્રથમ આ બંને વ્યકિતને હેમખેમ બચાવી લીધી હતી. એ પછી ઓફિસમાં લાગેલી આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો. દોઢેક કલાકે આગ કાબૂમાં આવી હતી.

જો કે એ પહેલા આગમાં તમામ ફર્નિચર, કોમ્પ્યુટર સેટ એમ સમગ્ર ઓફિસ આગમાં ખાક થઇ ગયા હતાં. એડલવાઇઝ બ્રોકિંગ મુંબઇની કંપની છે. આ કંપનીની રાજકોટ બ્રાંચના મેનેજર સૂર્યપ્રકાશ રમમુની પાઠક છે. તેમના કહેવા મુજબ આખી ઓફિસ ખાક થઇ ગઇ છે. કોમ્પ્યુટર સેટ, વાયરીંગ, પીઓપી, ટેબલો, ડોકયુમેન્ટની ફાઇલો એમ બધુ જ બળી ગયું છે. રાત્રે કોઇ કર્મચારીઓ હોતા નથી. સિકયુરીટીએ આગના લબકારા જોતાં તેણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગથી અંદાજે ત્રીસેક લાખનું નુકસાન થયું છે. શોર્ટ સરકિટથી આગ ભભુકયાની શકયતા છે.

રાત્રીના પંચનાથ રોડ પર ફાયર બ્રિગેડના બંબાઓના સાયરન ગાજી ઉઠતાં આસપાસના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક કલીયર કરાવ્યો હતો. 

(1:09 pm IST)