રાજકોટ
News of Thursday, 12th September 2019

ભુંડ અને રોજડાના ત્રાસથી ખેડુતોને બચાવવા સરકાર નકકર પગલા ભરે : ભારતીય કિસાન સંઘ

ગોલીડાના નિદોર્ષ ખેડુતો જીવ ખોવો પડયો : ખેડુતો કામ કરે કે દિવસ રાત રખોપુ કરે?

રાજકોટ તા. ૧૨ : ખેતીના પાકને નુકશાન પહોંચાડતા ભુંડ અને રોજડાના અસહ્ય ત્રાસમાંથી ખેડુતોને મુકત કરવા સરકાર નકકર પગલા ભરે તેવી ભારતીય કિસાન સંઘ રાજકોટ દ્વારા માંગણી ઉઠાવવામાં આવી છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ભારતિય કિસાન સંઘના આગેવાનોએ જણાવેલ કે ભુંડથી બચવા લાચારીમાં લગાવાતી જટકા સીસ્ટમ અને ફેન્સીંગ કરંટ નિર્દોષ ખેડુતોનો પણ ભોગ લઇ રહી છે. તાજેતરમાં જ ગોલીડા ગામના ખેડુતનું આ રીતે વીજ શોક લાગવાથી મૃત્યુ થયાનો કિસ્સો નોંધાયો છે. અન્ય એક કિસ્સામાં જામકંડોરણામાં પણ ભૂંડે ખેડુતનો ભોગ લીધા હતો. આ બાબતે સરકારને રજુઆતો થઇ હોવા છતા કોઇ જ પગલા લેવાયા નથી.

ખેડુતો કામ કરે કે દિવસ રાત રખોપુ કરે? ભુંડ અને રોજડા જંગલી પશુ છે તો તેનું સ્થાન જંગલમાં હોવુ જોઇએ કે ખેતરમાં ? વર્ષો પહેલા ખેતરોમાં ભુંડ હતા જ નહીં. શહેરમાં ભુંડની રંજાડ વધતા પકડીને તેને ગામડામાં છોડી દેવાતા હોવાથી ગામડામાં ભુંડ વધી ગયા છે. પરિણામે ખેડુતોના ખેતરો ભુંડ ઉછેર કેન્દ્ર જેવા બની ચુકયા છે. ભુંડ અને રોજડા જેવા પશુઓને પકડીને જંગલ ભેગા કરી દેવામાં આવે તો ખેડુતો અને માલધારીઓ આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકે.

સરકાર આ દિશામાં નકકર પગલા ભરે તેવી ભારતીય કિસાન સંઘ રાજકોટ જિલ્લા પ્રમુખ દિલીપભાઇ સખીયા, રમેશભાઇ ચોવટીયા, અતુલભાઇ કમાણી, પ્રભુદાસભાઇ મણવર, ભરતભાઇ પીપળીયા, જીવનભાઇ વાછાણી, મનોજભાઇ ડોબરીયા, ઠાકરશીભાઇ પીપળીયા, રમેશભાઇ હાપલીયા, પરેશભાઇ રૈયાણી, ધર્મેશભાઇ સોરઠીયા, બચુભાઇ ધામી, મહિપાલસિંહ જાડેજા, જીતુભાઇ સંતોકી, મધુભાઇ પાંભર, ભુપતભાઇ કાકડીયા, અશોકભાઇ મોલીયા, ભાવેશભાઇ રૈયાણી, જાલાભાઇ ઝાપડીયા, કિશોરભાઇ લકકડ, વિનુભાઇ દેસાઇ, શાંતિલાલ વેગડ, કિશોરભાઇ સગપરીયા, કાળુભાઇ, રમેશભાઇ લકકી, મુકેશભાઇ રાજપરા તેમજ જિલ્લા અને તાલુકાના કાર્યકર્તાઓ તથા ખેડુતોએ માંગણી ઉઠાવી છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ભારતીય કિસાન સંઘના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૨)

(11:50 am IST)