રાજકોટ
News of Thursday, 12th September 2019

વીજ કર્મચારીઓના એક યુનિયનના નેતા દ્વારા લાખોની ઉચાપતની ફરિયાદઃ હાઈલેવલ તપાસ શરૂ

રાજકોટના કિશોરસિંહ વાળાએ મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને ફરીયાદ કરી... : ચીફ ઈજનેર ગાંધીએ બે અધિકારીઓને તપાસ સોંપીઃ યુનિયનમાં મોટા પાયે ડખ્ખા

રાજકોટ, તા. ૧૧ :. શહેરના વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા કિશોરસિંહ વાળાએ વીજ કર્મચારીઓના એક યુનિયનના એક મોટા ગજાના આગેવાન સામે ભ્રષ્ટાચાર કરી નાણાની ઉચાપત કરવા અંગેની ફરીયાદો કરતા સન્નાટો મચી ગયો છે.

ફરીયાદમાં ઉમેરાયુ છે કે, એક કંપનીની પવનચક્કીના યુનિટ એડજસ્ટમેન્ટમાં ગેરરીતિ કરીને રૂપિયા ૬.૦૦ લાખ જેવી રોકડ રકમની ઉચાપત કરેલ છે. રસીદ ગ્રાહકને આપી દીધા બાદ સિસ્ટમમાં રસીદ કેન્સલ કરીને આ રૂપિયાની ઉચાપત કરેલ છે તો બીજી એક કંપનીમાં ગુજરાત સરકાર તરફથી ૫ (પાંચ) વર્ષ વિદ્યુત શુલ્ક માફી બાદ માર્ચ ૨૦૧૭થી મે ૨૦૧૯ સુધીના રૂપિયા ૨૨.૦૦ (બાવીશ) લાખ જમા આપીને ગેરરીતિ કરીને ભ્રષ્ટાચાર કરેલ છે આ અંગે વડી કચેરીના તમામ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પણ ફરીયાદ કરાઈ છે. તાજેતરમાં તા. ૪-૫-૨૦૧૯થી મુખ્યમંત્રી, ઉર્જામંત્રી, નાયબ મુખ્યમંત્રી, ચીફ વિજીલન્સ કમિશનર ગુજરાત અને પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડીરેકટરને ફરીયાદ કરવામાં આવેલ હતી તેમ છતાં આજ સુધી કોઈ પગલા લેવામાં આવેલ નથી.દરમિયાન આ બાબતે વીજ અધિકારીઓનો સંપર્ક કરતા ટોચના સૂત્રોએ ઉમેર્યુ હતુ કે, આ અંગે ચીફ ઈજનેર શ્રી ગાંધીએ ઉપરોકત બન્ને પ્રકરણમાં તપાસ કરવા બે અધિકારીઓની નિમણૂંક કરી છે. હાઈલેવલ તપાસ ચાલુ છે. વધુ હાલ કહેવુ શકય નથી.

(3:48 pm IST)