રાજકોટ
News of Thursday, 12th September 2019

ઓટોમોબાઇલની મંદીનો ડંખ આરએમસીનેઃ આવકમાં ગાબડુ

મ્યુ.કોર્પોરેશનને ગતવર્ષ કરતા આ વર્ષ વાહન વેરામાં ૨.૭૪ કરોડની ઘટઃ ચાર મહિનામાં વર્ષ ૨૦૧૮માં ૨૭,૩૯૫ તથા વર્ષ ૨૦૧૯માં ૨૦,૭૯૨ વાહનો વેંચાયા

રાજકોટ તા.૧૧: ઓટોમોબાઇલ ક્ષેત્રે પ્રવર્તતી મંદીની અસર રાજકોટ મ્યુ.કોર્પો.ને પણ થવા પામી છે. શહેરમાં ગત વર્ષ કરતા આ વર્ષે શહેરમાં વાહન વેંચાણમાં ઘટાડો જોવા મળી રહયો છે. છેલ્લા પાંચ મહિનામાં  કુલ ૨૦,૭૯૨વાહનોનું વેચાણ થતા રાજકોટ મ્યુ. કોર્પોરેશનની તિજોરીમાં વાહન વેરા પેટે રૂ. ૫.૬૯ કરોડની આવક જમા થવા પામેલ છે. જયારે ૧ એપ્રિલ ૨૦૧૮ થી ૪ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં કુલ ૨૭,૩૯૫ વાહનોનું વેંચાણ થતા રૂ.૬,૯૫,૦૨,૬૦૪ની આવક થવા પામી છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની વેરા શાખામાં  નોંધાયેલ વિગતવાર માહીતી જોઇએ તો ૧ એપ્રિલ ૨૦૧૯થી ૪ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીનાં સમયગાળામાં ૧૬,૬૫૯  ટુ વ્હીલરનાં રૂ. ૧.૯ કરોડ, ૯૫૭  થ્રી વ્હીલર્સના રૂ. ૧.૩૪ કરોડ તેમજ ૨૮૫૨ કાર (પેટ્રોલ, ડીઝલ, સીએનજી)ના રૂ. ૩.૯૧ કરોડ સહિત કુલ ૨૦,૭૯૨વાહનોનું વેચાણ થતા કુલ રૂ. ૫,૬૯,૮૦,૦૨૬ આવક થવા પામેલ છે.

અત્રે નોંધનીય છે કે ગત વર્ષે ૧ એપ્રિલ ૨૦૧૮ થી ૪ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર તથા કાર સહિત કુલ ૨૭,૩૯૫ વાહનોનું વેંચાણ થતા રૂ.૬,૯૫,૦૨,૬૦૪ની આવક થવા પામી છે.

રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા ૧ લાખની કિંમતના વાહનનો ૧ ટકો તથા ૧ લાખથી વધુ વાહનની કિંમતનો ર ટકો તથા સીએનજી વાહનમાં ભરવાપાત્ર રકમના પ૦ ટકા વળતર સાથેનો વેરો સ્વીકારવામાં આવે છે. જયારે દિવ્યાંગ લોકો માટેના વાહનો તથા ઇલેકટ્રીક વાહનોમાં ૧૦૦ ટકા કરમુકત આપવામાં આવે છે તેમ વેરા શાખાના સુત્રોએ જણાવ્યું હતું.

(3:18 pm IST)