રાજકોટ
News of Wednesday, 11th September 2019

કરબલાના શહીદોને શ્રધ્ધાંજલી અર્પિતઃ રાત્રે તાજીયા વિસર્જીત

મહોર્રમ માસમાં આ વખતે પ્રથમવાર વરસાદી માહોલ રહેતા તાજીયાના માતમમાં 'ડોમ'બનાવાયા : રાજકોટમાં ચાલુ વરસાદે પણ જુલુસ - નિયાઝ ચાલુ રહ્યાઃ હિન્દુ મુસ્લીમો ભાવ-વિભોર

રાજકોટ તા.૧૧: છેલ્લા દસ દિવસથી જેની ઉજવણી થઇ રહી હતી તે મહોર્રમ માસમાં અતિ મહત્વનો મહિમાં ધરાવતો ૧૦મી મોર્રમનો દિવસ એટલે કે 'આશૂરા'નો પર્વ ગઇકાલે  શોકમય રીતે મુસ્લીમ સમાજમાં મનાવાયો હતો.

આ આશૂરા પર્વ નિમિત્તે ખાસ કરીને  આ મહોર્રમ માસમાં બનેલા તાજીયાઓ ગઇકાલે પડમાં આવી જે તે રૂટો ઉપર જુલુસ રૂપે ફર્યા હતા. અને ગઇ મોડી રાતે વિસર્જન પામ્યા હતા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગામેગામ કલાત્મક તાજીયાઓ બનાવવામાં આવ્યા હતા. જે બે દિ'ફરીને ગઇ રાતે વિસર્જીત પામ્યા હતા. એ સાથે સર્વત્ર કરબલાના શહિદોની સ્મૃતિમાં ભરપૂર ન્યાઝ -પ્રસાદનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેનો હિન્દુ - મુસ્લીમ સમાજે એક સાથે લાભ લેતા ભાઇચારાની ભાવના જોવા મળી હતી. ખાસ તો એ કે, આ વખતે મહોર્રમ માસમાં પ્રથમ જ વાર વરસાદી માહોલ સતત રહેવા પામ્યો હતો. આમ છતા તાજીયાના સંચાલકોએ માતમ સ્થળે મોટા ડોમ બનાવી લીધા હતા. અને માતમમાં પણ તાજીયા ઢાકીને રાખી  વરસાદથી બચાવ્યા હતા.

ડો. અબ્દલ બેલીમએ રાજકોટની આમ હિન્દુ-મુસ્લીમ જનતાનો ખાસ એક યાદીમાં આભાર માન્યો હતો. ઉપરાંત પોલીસ તંત્ર જે સાથ સહકાર આપ્યો તેનો તથા રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના તંત્રના પદાધિકારીઓ તથા નગરસેવકોએ જે જહેમત લઈ પાણી, સફાઈ વગેરેનો સાથ સહકાર આપ્યો તથા જી.ઈ.બી. ના પદાધિકારીઓએ  વીજળી લાઈટની વ્યવસ્થામાં ખામી ન આવવા દેવા માટે જે જહેમત ઉપાડેલ અને ટ્રાફિક વ્યવસ્થામાં સતત સેવા બજાવવા બદલ ટ્રાફિક બ્રાન્ચ અને વ્યવસ્થા બજાવવામાં હોમગાર્ડસ મિત્રોએ જે સેવા બજાવી તે સો કોઈનો રાજકોટના મુસ્લીમો વતી સામાજીક કાર્યકર ડો. બેલીમે એક નિવેદનમાં આભાર માનેલ છે.

(3:30 pm IST)