કમલેશ રામાણી આઉટસ્ટેટનો રહેવાસી હોવાનો બોગસ પુરાવો ઉભો કરી ટેમ્પરરી પરમિટ પર દારૂ મેળવતો!
રાજકોટઃ કુખ્યાત બિલ્ડર અને અસંખ્ય ગુનાઓ આચરવાને કારણે તાજેતરમાં પાસામાં ધકેલાયેલા કમલેશ રામાણી સામે વધુ એક ગુનો નોંધાય શકે છે. તાજેતરમાં પોલીસે તેને એક યુવતિ સાથે દારૂ પીધેલી હાલતમાં મોટા મવા પાછળ આવેલા તુલિપ પર્પલ એપાર્ટમેન્ટના ફલેટમાંથી ઝડપી લીધો હતો. એ વખતે દારૂ પીધેલાનો ગુનો નોંધાયો હતો. પાછળથી તાલુકા પી.આઇ. શ્રી વી.એસ. વણઝારાએ હાથ ધરેલી તપાસમાં જુદી-જુદી પરમિટ શોપના જવાબદાર કર્મચારીઓના નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ કમલેશે ગુજરાત બહારનો રહેવાસી હોવાનો રહેણાંક પુરાવો ઉભો કરી તેના પર ટેમ્પરરી પરમિટ પર દારૂ મેળવ્યો હોવાનું જણાયું હતું. આ માટે દરેક વાઇન શોપ ઉપર નિયમ મુજબ તે આઠ-પંદર દિવસે જે તે રાજ્યમાંથી મુસાફર તરીકે રાજકોટ આવ્યાની ટિકીટ રજૂ કરી ટેમ્પરરી પરમિટ કઢાવતો હોવાનું ખુલ્યું છે. આ મામલે તેની સામે બોગસ રહેણાંક પુરાવા સહિતના દસ્તાવેજો ઉભા કરવા બદલ ગુનો નોંધાવાની શકયતા છે.