રાજકોટ
News of Monday, 12th August 2019

શહેરના રાજમાર્ગો પર ઈલેકટ્રીક રીક્ષા દોડશેઃ મ્યુ. કમિશ્નર તથા પોલીસ કમિશ્નર દ્વારા હરી ઝંડી

રાજકોટઃ શહેરને સ્માર્ટ સીટી તરફ ગતિ કરવા જરૂરી પર્યાવરણમાં રહેલ પ્રદુષણ ઘટાડવાના ભાગરૂપે બેટરીથી ચાલતી રીક્ષા વાપરવાનો અભિગમ વધારવા શરૂઆતના તબક્કે થોડી બેટરી રીક્ષા સીઈકો ઈ-વ્હીકલ મેન્યુફેકચર્સ દ્વારા શહેરના રાજમાર્ગો પર ફરતી કરવાના ઉદ્દેશથી મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની તથા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજકુમાર અગ્રવાલ તથા ડે. પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા દ્વારા રીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમની શરૂઆતમાં સીઈકો ઈ-રીક્ષા મેન્યુફેકચર્સના ધનસુખભાઈ વોરા દ્વારા સ્વાગત કરતા જણાવેલ કે આવી રીક્ષા વાપરવાથી રીક્ષા ચાલકને થતા ફાયદા તેમજ મુસાફરોને મુસાફરી ભાડામાં થતા ફાયદા અંગે માહિતી આપેલ હતી તેમજ આ રીક્ષામાં મેઈન્ટેનન્સ લગભગ શૂન્ય હોય. રીક્ષા ચાલકને રોજિંદી કમાણીમાં પણ વધારો થાય છે. તેથી આવી રીક્ષાનો વધુમાં વધુ વપરાશ થાય અને લોકો આવી રીક્ષા વાપરતા થાય તે ઉદ્દેશથી આજનો આ કાર્યક્રમ યોજાયેલ છે. ત્યાર બાદ મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાની તથા પોલીસ કમિશ્નર મનોજકુમાર અગ્રવાલએ જણાવેલ કે, અમદાવાદ સીટીમાં જેવી રીતે પોલીસ તથા શહેર કમિશ્નર દ્વારા પર્યાવરણ બચાવવાની સંયુકત ચળવળ શરૂ કરેલ છે. તે જ પ્રકારે રાજકોટમાં પણ યોજના શરૂ કરાશે. જેમાં આ ઈ-રીક્ષાનો ઉપયોગ ખૂબ જ મહત્વનો બની રહેનાર છે. આમ એક યાદીમાં ધનસુખભાઈ વોરા તથા સુરેશભાઈ શાહ દ્વારા જણાવવામાં આવેલ છે.

(4:00 pm IST)