રાજકોટ
News of Monday, 12th August 2019

ભુગર્ભ ગટરો છલકાય છેઃ તંત્ર વામણુઃ અર્ધુ રાજકોટ હજુ પાણીમાં

ગાંધીગ્રામ, કોઠારીયા-વાવડી, મોટી ટાંકી ચોક, ગુંજન પાર્ક, ન્યુ જાગનાથ સહિતનાં વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી વહી રહ્યુ છેઃ લોકોમાં જબ્બર રોષ

રાજકોટ તા. ૧ર : શહેરમાં બે દિવસ અગાઉ ભારે વરસાદને કારણે ભૂગર્ભ ગટરો જામ થઇ ગઇ હતી. જેનાં કારણે મકાનોમાં ગંદા પાણી ઘુસી ગયા હતાં. આ ગંદા પાણીની સમસ્યા હજુ પણ યથાવત હોવાનું અને રસ્તાઓ પર ભુગર્ભ ગટરનું ગંદુ પાણી આજે પણ વહી રહયુ હોઇ અને તેને ઉકેલવામાં મ્યુનિ. તંત્ર વામણુ સાબીત થયુ હોઇ આ મુદે તંત્ર સામે જબ્બર રોષ ફેલાયો છે. વિવિધ વિસ્તારોમાં ભુગર્ભ ગટરની સમસ્યાઓનુ સંકલન આ મુજબ છે.

આ અંગે લોકોમાં ઉઠવા પામેલી ફરીયાદ મુજબ શહેરનાં વોર્ડ નં. ૭ માં કાઠીયાવાડ જીમખાના રોડ, મોટી ટાંકી ચોક, ન્યુ જાગનાથ, મહાકાળી મેઇન રોડ, સદર બજાર સહિતનાં વિસ્તારોમાં ભુગર્ભ ગટરો છલકાઇ રહી છે.

વોર્ડ નં. ૧૦ :.. વોર્ડ નં. ૧૦ ના ગુંજન પાર્ક મેઇન રોડ, તોરલ પાર્ક મેઇન રોડ, મહિલા આઇ. ટી. આઇ. રોડ વગેરે સ્થળોએ ડ્રેનેજ ઉભરાઇ ને રસ્તાઓ ઉપર વહેતા ગંદા પાણીથી લોકો ત્રાહીમામ, પાણી ભરેલા રસ્તાઓમાં મોટા-મોટા ખાડાઓ જીવલેણ, માથે જાતા મોલ્સ, હાઇરાઇઝના સેલર, બેઝમેન્ટના પાણી રસ્તાઓ ઉપર ઠલવાતા શહેરમાં ગંદા પાણીની નદીઓ વહે છે. છતાં તંત્ર, શાસકોના પેટનું પાણી પણ હલતું નથી. તેમ  આ વોર્ડનાં કોંગી કોર્પોરેટર અને વિપક્ષી ઉપનેતા મનસુખ કાલરીયાએ જણાવ્યું હતું.

વોર્ડ નં. ૧

શહેરના વોર્ડ નં. ૧ નાં ગાંધીગ્રામના જીવંતીકાનગર, અક્ષરનગર, રાધેકૃષ્ણ મંદિર પાસેનાં વિસ્તાર સહિતના વિસ્તારોમાં પણ આજની સ્થીતી એ ભુગર્ભ ગટરો છલકાઇ રહી છે. કેટલાક લોકોનાં ફળીયામાં ગટરનું ગંદુ પાણી વહી રહયું છે.

વોર્ડ નં. ૧૭

વોર્ડ નં. ૧૭ નાં કોઠારીયા રોડ વિસ્તારનાં બાબરીયા કોલોની, મોરારીનગર, ન્યુ રઘુવીર સોસાયટી, વગેરેમાં પણ ભુગર્ભ ગટરનું અતિશય ગંદુ પાણી વહી રહયુ હોઇ રોગચાળાનો ભય ઉભો થયાની ફરીયાદ આ વિસ્તારનાં સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુએ કરેી છે.

વોર્ડ નં. ૧૩

વોર્ડ નં. ૧૩ માં છેલ્લા બે દિવસથી વરસાદ રહી ગયો હોવા છતાં વિસ્તારમાં મોટાભાગની ડ્રેનેજ ચોકઅપ થઇ ગયેલ હોય યોગ્ય નિકાલ થતો ના હોવાના કારણે ડ્રેનેજના પાણી રોડ ઉપર ફરી વળ્યા છે. ચારે બાજુ ગંદકી ફેલાઇ છે.

ગંદકીના ઢગલા પણ છેલ્લા પાંચ દિવસથી જેમના તેમ છે. હવે અધિકારીને આદેશ આપી અને લોકોને આ મહાભયંકર સમસ્યામાં છોડાવવા કોંગી કોર્પોરેટર જાગૃતીબેન પ્રભાતભાઇ ડાંગરે મ્યુ. કમિશ્નર સમક્ષ માંગ ઉઠાવી છે.

(3:45 pm IST)