રાજકોટ
News of Sunday, 12th July 2020

દુધસાગર રોડ પર નવો હાઇલેવલ બ્રિજ આખરે તૈયારઃ મંગળવારે વિજયભાઇ ઇ-લોકાર્પણ દ્વારા ખુલ્લો મુકશે

મ્યુ. કોર્પોરેશનનાં પુર્ણ થયેલ કુલ રૂ. ૧૪.૯૫ કરોડના ત્રણ પ્રોજેકટનું ઇ-લોકાર્પણ તેમજ રૂ. ૪૯.૯૩ કરોડના ખર્ચના બે પ્રોજેકટનું ઇ-ખાતમુહુર્ત મુખ્યમંત્રીના હસ્તે કરાશે

રાજકોટ તા. ૧૧ : શહેરના દૂધસાગર રોડ આજી નદી ઉપર હયાત બ્રીજની બાજુમાં નવો હાઇલેવલ બ્રિજ આખરે તૈયાર થતા કુલ રૂ. ૧૮.૯પ કરોડના ત્રણ પ્રોજેકટનું ઇ-લોકાર્પણ તેમજ કુલ રૂ. ૪૯.૯૩ કરોડન ખર્ચના બે પ્રોજેકટનું ઇ-ખાતમુર્હુત તા. ૧૪ મંગળવાર રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કરવામાં આવશે. તેમ મેયર બિનાબેન આચાર્ય, સ્ટે. ચેરમેન ઉદય કાનગડ તથા મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ તા. ૧૪ મંગળવારના રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કુલ ૬૮.૮૮ કરોડના વિવિધ પ્રોજેકટનું ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમુર્હુત કરવામાં આવનાર છે.

કયાં કયાં પ્રોજેકટનું ઇ-લોકાર્પણ

શહેરનાં દૂધસાગર રોડ આજી નદી ઉપર હૈયાત બ્રીજની બાજુમાં ૩.રપ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવો હાઇલેવલ બ્રીજનું ૧પ કરોડના ખર્ચે હિંગળાજનગર આવાસ યોજના (પીપીપી) પાર્ટ-૧ ત્થા સ્માર્ટ સીટીના પાનસીટી પ્રોજેકટ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારમાં બનેલ ૭૦ લાખના ૧૦ બસ સ્ટોપનો સમાવેશ થાય છે.

ઇ-ખાતમુર્હુત

આ ઉપરાંત વોર્ડ નં. ૧ર માં મવડી વિસ્તારમાં જેટકો ચોકડી ખાતે સ્કાડા ટેકનોલોજી ધરાવતો પ૦ એમ.એલ.ડી. ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને હેડ વર્કસ ૪ર.રપ કરોડ ખર્ચે તૈયાર થનાર અને ૭.૬૮ કરોડના ખર્ચે આજી ડેમ પાસે અર્બન ફોરેસ્ટ વિકસાવવાની કામગીરી સહિત કુલ ૪૯.૯૩ કરોડના ઇ-ખાતમુર્હુત કરાશે. (૪.૧૪)

(3:20 pm IST)