રાજકોટ
News of Sunday, 12th July 2020

ગુજરાતમાં લઘુ - મધ્યમ ઉદ્યોગોની લોનની ૧,૬૨,૨૪૫ અરજીઓ મંજૂર : સૌરભ પટેલ

આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત લોન મંજુર કરવામાં અને આપવામાં ગુજરાત મોખરે : ૫૨૫૮૬૮ લાખ રૂ. અપાઇ ગયા : રાજ્યના ૯૦ થી ૯૫ ટકા ઉદ્યોગોને એમ.એસ.એમ.ઇ.માં સમાવેશ : મોરબીના ઉદ્યોગોના ઉત્પાદનની માંગ નીકળી : નવા વીજ સબ સ્ટેશનો માટે માસ્ટર પ્લાન બને છે : આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત રૂ. ૧ લાખ સુધીની ૨% વાળી લોન કેટલા લોકોને મળી ? સૌરભ પટેલ કહે છે આંકડાકીય માહિતી હાથ ઉપર નથી પરંતુ ઘણા લોકોને લાભ મળ્યો છે

રાજકોટ સર્કિટ હાઉસ ખાતે ઉર્જા મંત્રી સૌરભ પટેલ તથા ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી હતી તે પ્રસંગની તસ્વીરમાં સાથે મીડિયા સેલના સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ રાજુ ધ્રુવ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી ઉપસ્થિત છે. શહેર ભાજપ મીડિયાના હરેશ જોષી પણ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૧ : રાજ્યના ઉર્જા મંત્રી શ્રી સૌરભ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જાહેર કરેલ ૨૦ લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજ અન્વયે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ લોન મંજૂર કરવામાં અને આપવામાં ગતિ સાથે પ્રગતિ હોવાનું ગૌરવ વ્યકત કર્યું છે. એમ.એસ.એમ.ઇ. તરીકે ઓળખાતા સુક્ષ્મ - લઘુ અને મધ્યમ ઉદ્યોગોની લોન મંજુર કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ રહ્યું છે અને લોન વિતરણ કરવાની બાબતમાં ત્રીજા ક્રમે છે તે પણ પ્રથમ ક્રમે આવી જવાની આશા છે.

શ્રી સૌરભ પટેલે પત્રકારોને જણાવેલ કે, આત્મનિર્ભર પેકેજ અંતર્ગત રાજ્યમાં લોન માટે જુદા-જુદા ઉદ્યોગો પાસેથી ૧,૬૩,૦૩૦ અરજીઓ મેળલ છે. જેમાંથી ૧,૬૨,૨૪૫ અરજીઓ મંજૂર થઇ ગઇ છે. અત્યાર સુધીમાં કુલ ૬૭૬૦૯ ઉદ્યોગ એકમોની રૂપિયા ૮૮૮૬૦૭ લાખની લોન મંજૂર કરેલ છે. જેમાંથી ૫,૨૫,૮૬૮ લાખની લોન વિતરીત થઇ ગઇ છે. લોન મંજુર કરવાની બાબતમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. આત્મનિર્ભર નિતીનો લાભ ગુજરાતમાં અંદાજે ૮ લાખથી વધુ ઔદ્યોગિક એમ.એસ.એમ.ઇ. એકમોને મળશે. ઉપરાંત ગૃહ (કુટિર) ઉદ્યોગો અને સેવાકીય એકમોનો સમાવેશ કરતા ૩૦ લાખથી વધુ એકમો લાભાન્વિત થશે.

તેમણે જણાવેલ કે, ગુજરાતમાં ૧૪ હજાર કરોડના આત્મનિર્ભર પેકેજ અંતર્ગત દુકાનો, ઓફિસો, હોટલ, રેસ્ટોરન્ટ, દવાખાના વગેરેને મિલ્કત વેરામાં ૨૦% મુજબ ૬૦૦ કરોડની રાહત આપવામાં આવી છે. રહેણાંક મિલ્કતોમાં ૧૦% મુજબ ૧૪૪ કરોડની રાહત આપવામાં આવી છે. મહિને ૨૦૦ યુનિટ કરતા ઓછો વિજ વપરાશ કરનાર રહેણાંક વિજ ગ્રાહકોને બીલમાં ૧૦૦ યુનિટ સુધી માફી આપવાની યોજના છે. તે કુલ રાહત ૬૫૦ કરોડની થશે. કોન્ટ્રાકટ કેરેજ બસો તથા મેકિસ કેબ ઉદ્યોગ - ધંધાને એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ટેકસ માફી આપવામાં આવી છે. માંદા ઔદ્યોગિક એકમોને ઉભા કરવા ઉદ્યોગ વિભાગે ખાસ સેલ કાર્યરત કરેલ છે. કેન્દ્ર એ એમ.એસ.એમ.ઇ.ની વ્યાખ્યા બદલી મૂડી રોકાણ અને ટનઓવરના માપદંડ વધારતા ગુજરાતના ૯૦ થી ૯૫ ટકા ઉદ્યોગોનો એમ.એસ.એમ.ઇ.માં સમાવેશ થયો છે. કેન્દ્રએ ૯૦ હજાર કરોડની સહાય ઉર્જા કંપનીઓ માટે જાહેર કરેલ. રાજ્યની ઉર્જા કંપનીઓ સધ્ધર હોવાથી આ લાભ મેળવવા પાત્ર નથી.

રાજકોટમાં મૃત્યુના આંકડા, પોલીસ દંડ અને વીજ બીલ મુદ્દે પ્રશ્નોનો મારો

વીજ બીલમાં રાહતનો ૨૨ લાખ ગ્રાહકોને લાભ અપાઇ ગયો  : સૌરભ પટેલે કહ્યું ગઇકાલની સ્થિતિએ છેલ્લા ૩ દિ'માં રાજકોટમાં કોરોનાથી એકેય મૃત્યુ થયુ નથી : આઇ.કે. કહે છે દંડ સરાહનીય નહિ, લોકો નિયમો પાળે તેવી અપીલ

રાજકોટ : આજે કેબિનેટ મંત્રી સૌરભ પટેલ અને પૂર્વ મંત્રી આઇ.કે.જાડેજાની પત્રકાર પરિષદમાં રાજકોટમાં કોરોનાથી થતાં મૃત્યુના આંકની પ્રસિધ્ધી, પોલીસ દ્વારા માસ્કના મામલે વસુલાતો દંડ અને લોકડાઉન વખતના આકરા વીજ બીલ બાબતે પત્રકારોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. બંને મહાનુભાવો આ સ્થાનિક પ્રશ્નોમાં બરાબરના ભીડાયા હતા.

ઙ્ગસૌરભ પટેલે રાજકોટમાં મૃત્યુના આંકડા બાબતના પ્રશ્નોના જવાબમાં જણાવેલ કે, ગેરસમજણ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય કક્ષાએથી એક જ સમયે આંકડા જાહેર કરવાની વ્યવસ્થા છે. મારે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર સાથે વાત થઇ છે. તેમણે જણાવેલ કે, ગઇકાલ સુધીમાં પાછલા ત્રણ દિવસમાં રાજકોટમાં કોરોનાથી એકય મૃત્યુ થયું નથી. આજે અહીં જે પ્રશ્નો આવેલ છે તે બાબતે હું કમિશનર સાથે ફરી વાત કરીશ.

વીજળીના અસહ્ય બીલ બાબતે તેમણે જણાવેલ કે, ૨૭ જૂન સુધીમાં જેના બીલ બની ગયેલ તેને આવતા બીલમાં મળવા પાત્ર ૧૦૦ યુનિટ સુધીનો લાભ મળશે. ત્યારપછીના બીલમાં આ વખતથી જ લાભ મળશે. ૨૭ જૂનથી ગઇકાલ સુધીમાં રાજયના ૯૨ લાખ પૈકી ૨૨ લાખ વીજ ગ્રાહકોને લાભ મળી ગયો છે. પીજીવીસીએલમાં ૩૭ લાખ ગ્રાહકો છે. જેમાંથી ૨૬ લાખ ગ્રાહકોને લાભ મળવાપાત્ર છે. ત્રણ-ચાર મહિનાના બીલ ભેગા આવે છે પરંતુ કંપની વીજ યુનિટનો વપરાશ નક્કી કરતી વખતે ૩૦ દિવસ ધ્યાને રાખીને ગણતરી કરે છે. વ્યકિતગત કોઇ કિસ્સામાં વધુ બીલ જણાતુ હોય તો તેની રજૂઆત કરવી જોઇએ.

શહેર પોલીસ દ્વારા ટુંકાગાળામાં ૧ કરોડ રૂપિયા જેટલો દંડ વસુલવામાં આવ્યો તે બાબતે પૂછતા આઇ.કે.જાડેજાએ જણાવેલ કે, કયાંય પણ દંડ સરાહનીય નથી. હું રાજકોટ પોલીસનો બચાવ નથી કરતો પરંતુ લોકો પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરે અને નિયમ પાળે તેવી અપીલ કરૃં છું.

મોરબીના કાર્યકરો મેરજાને ઇચ્છે છે : આઇ.કે.જાડેજા

તમામ તાલુકા ભાજપ સમિતિઓ તા. ૧૨ સુધીમાં રચાઇ જશે : પ્રદેશ માળખાનો નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ કરશે

રાજકોટ : મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપના ઇન્ચાર્જ સૌરભ પટેલ અને આઇ.કે.જાડેજા આજે વધુ એક વખત મોરબી જઇ રહ્યા છે. આજે આઇ.કે.એ પત્રકારોના પ્રશ્નના જવાબમાં જણાવેલ કે, મોરબીમાં કાંતિભાઇ અમૃતિયા સહિત બધા કાર્યકરો ઉમેદવારો બ્રિજેશ મેરજાને ઇચ્છે છે. ટિકિટ અંગેનો નિર્ણય પાર્ટીની નેતાગીરીએ લેવાનો છે. અમે મોરબી સહિત આઠેઆઠ બેઠકો જીતશું.

તેમણે સંગઠન માળખા અંગેના પ્રશ્નોના ઉત્તરમાં જણાવેલ કે, જ્યાં તાલુકા પ્રમુખોની નિમણૂંક થઇ ગઇ છે ત્યાં તા. ૧૨ સુધીમાં સ્થાનિક માળખા રચાઇ જશે. પ્રદેશના સંગઠન માળખાનો નિર્ણય કેન્દ્રીય નેતાગીરીએ કરવાનો છે. હાલનું માળખુ કાર્યરત જ છે.

(3:16 pm IST)