રાજકોટ
News of Friday, 12th July 2019

આવાસ યોજનામાં વેઇટિંગમાં રહેલા બી.પી.એલ. હેઠળના ૧૯૧ લાભાર્થીઓને આવાસ ફાળવાશે

મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમન અને મ્યુનિ. કમિશનરનીજાહેરાત

રાજકોટ, તા.૧ર : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બી.એસ.યુ.પી. આવાસ યોજનામાં વેઇટિંગમાં રહેલા બી.પી.એલ. હેઠળના ૧૯૧ લાભાર્થીઓને આવાસ ફાળવવાની માન. મેયરશ્રી બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમનશ્રી ઉદયભાઈ કાનગડ અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આજે સંયુકત જાહેરાત કરી હતી.

બી.પી.એલ. કાર્ડ ધારક પરિવારોને બી.એસ.યુ.પી આવાસ યોજનામાં આવાસ ફાળવવા માટે તેઓની પાસેથી ૨૦૧૨માં અરજીઓ માંગવામાં આવેલ હતી. ત્યારબાદ જે તે સમયે કોમ્પ્યૂટરાઈઝડ ડ્રો મુજબ લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવેલ હતાં અને એ પૈકી ૧૯૭ લાભ્ર્થીઓની પ્રતીક્ષા યાદી બની હતી. જોકે આ ૧૯૭ પૈકી ૬ લાભાર્થીઓએ તેમની ડીપોઝીટની રકમ પરત મેળવવા અરજી કરી હતી, પરિણામે આખરમાં બાકી રહેલા ૧૯૧ લાભાર્થીઓને આવાસ ફાળવવાનો ઉમદા નિર્ણય કરવામાં આવતા લાભાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. આ બીપીએલ પરિવારોને આવાસ ફાળવવા અંગે હાઉસિંગ કમિટી ચેરમેન શ્રી જયાબેન ડાંગર દ્વારા રજૂઆત થઇ હતી. વેઇટિંગ યાદીમાં પાત્રતા ધરવતા કુલ ૧૯૧ લાભાર્થીઓને બી.એસ.યુ.પી. યોજના અંતર્ગત આવાસ ફાળવવાની વહીવટી મંજૂરી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા આપવામાં આવતા હવે ટૂંક સમયમાં જ બાકીની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(4:06 pm IST)