રાજકોટ
News of Friday, 12th July 2019

હરીપર પાળની દેવીપૂજક મહિલાના નાક-કાન તેના પ્રેમી કૌટુંબીક જમાઈએ જ કાપી નાખ્યા'તા

કૌટુંબીક જમાઈ અમરશી દેવીપૂજકે ધમકી આપતા વનિતાએ સલીમનું પોલીસ સમક્ષ ખોટુ નામ આપ્યુ'તુઃ અમરશી સહિત બેની શોધખોળ

રાજકોટ, તા. ૧૨ :. રાજકોટની ભાગોળે ઈશ્વરીયા ગામની વીડીમાં બે દિ' પૂર્વે હરીપર પાળની દેવીપૂજક મહિલાના નાક અને કાન પ્રેમીએ કાપી નાખ્યાની ઘટનામાં નવો ફણગો ફૂટયો છે. આ મહિલાના નાક અને કાન તેના પ્રેમી કૌટુંબીક જમાઈએ જ કાપી નાખ્યાનંુ અને તેણે ધમકી આપતા સલીમનું ખોટુ નામ આપ્યાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હરીપર પાળ રણુજાની ધાર પાસે રહેતી અને ભંગાર વિણવાનું કામ કરતી વનિતાબેન કેશુભાઈ દેવીપૂજક (ઉ.વ. ૩૬)ને બે દિ' પહેલા નાક-કાન કાપેલી હાલતમાં રાજકોટ સિવીલ હોસ્પીટલમાં દાખલ થઈ હતી. જ્યાં તેણે પોલીસ સમક્ષ એવી કેફીયત આપી હતી કે, ખંભાળા-ઈશ્વરીયા ગામની વીડીમાં પ્રેમી સાથે લગ્ન કરવાના ઈરાદે ભાગી ગયા બાદ બન્ને વચ્ચે ઝઘડો થતા પ્રેમી સલીમે તેના નાક-કાન કાપી નાખી ભાગી છૂટયો હતો. આ બનાવ અંગે હદ બાબતે વિવાદ થયા બાદ આ બનાવ પડધરી પોલીસ મથકની હદમાં બન્યો હોવાનું જાહેર થતા ગઈકાલે પડધરીના પીએસઆઈ જે.વી. વાઢીયાએ ઈજાગ્રસ્ત દેવીપૂજક મહિલાની ફરીયાદ લેતા નવો ફણગો ફુટયો હતો.

ઈજાગ્રસ્ત વનિતાબેન દેવીપૂજકે પોલીસ સમક્ષ અગાઉનું નિવેદન ફેરવી તોળી એવી કેફીયત આપી હતી કે તેના નાક-કાન સલીમ નામના પ્રેમીએ નહિ પણ તેના પ્રેમી કૌટુંબીક જમાઈ અમરશી વેલાભાઈ પરમાર દેવીપૂજકે કાપી નાખ્યા હતા. ફરીયાદમાં વનિતા દેવીપૂજકે જણાવ્યુ હતુ કે, તેને તેના કૌટુંબીક જમાઈ અમરશી દેવીપૂજક સાથે ૭ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને બન્ને લગ્ન કરવા માગતા હોય બે દિ' પૂર્વે કૌટુંબીક જમાઈ અમરશી દેવીપૂજકે ફોન કરી ખંભાળ ા-ઈશ્વરીયાની વીડીમાં બોલાવી હતી જ્યાં અમરશી સાથે તેનો ભાઈ રાજુ પણ આવ્યો હતો અને ત્યાં પ્રેમી અમરશીએ તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હતો. બાદમાં લગ્ન કરવા માટે રૂપિયા બાબતે ઝઘડો થતા અમરશીએ ઉશ્કેરાઈ જઈ વનિતાને થપ્પડ મારી હતી અને બાદમાં છરી કાઢી નાક-કાન કાપી નાખી ગંભીર ઈજા કરી હતી અને જતા જતા ધમકી આપેલ કે મારૂ નામ આપીશ તો પતાવી દઈશ... જેથી અમરશીનું નામ આપવાના બદલે સલીમનું નામ આપ્યુ હતુ અને બે લાખની રોકડ લૂંટી લીધાની વાત પણ ઉપજાવી કાઢી હતી. આ કામમાં અમરશીને તેના ભાઈ રાજુએ મદદગારી કરી હતી અને બાદમાં બન્ને નાસી છૂટયા હતા.

પડધરી પોલીસે વનિતાની ફરીયાદ પરથી અમરશી દેવીપૂજક તથા તેનો ભાઈ રાજુ રહે. બન્ને નાની ખાવડી, તા. લાલપુર, જિલ્લો જામનગર સામે આઈપીસી ૩૨૬, ૩૨૩, ૫૦૬(૨) તથા ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી બન્નેની શોધખોળ હાથ ધરી છે.

(3:38 pm IST)