રાજકોટ
News of Friday, 12th July 2019

આ અઠવાડીયુ પણ વરસાદની શકયતા નથી

સૌરાષ્ટ્ર - કચ્છમાં ૫૧% અને ગુજરાત રીજનમાં ૮% વરસાદની ઘટ : દક્ષિણ ગુજરાતમાં કોઈ - કોઈ દિવસે ઝાપટા - હળવો કે મધ્યમ વરસાદ પડી જાય : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૧૨ : આ અઠવાડીયુ એટલે કે તા.૧૨ થી ૧૯ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની કોઈ નોંધપાત્ર શકયતા નથી. જયારે દક્ષિણ ગુજરાતમાં કોઈ-કોઈ દિવસે ઝાપટા, હળવો કે મધ્યમ વરસાદ પડી શકે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું.

તેઓએ જણાવેલ કે, ઘણા દિવસ થયા બિહાર, યુપી બાજુ એક લોપ્રેશર હતું જે આગળ વધીને વેલમાર્ક લોપ્રેશર થયેલ નબળુ પડી હવે તેને આનુસંગિક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૩.૧ કિ.મી. અને ૫.૮ કિ.મી.ના લેવલે છે. હાલમાં સમગ્ર દેશમાં ચોમાસુ બેસી ગયુ (પશ્ચિમ રાજસ્થાન અને પંજાબનો થોડો ભાગ બાકી છે.) વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૩.૧ કિ.મી.ના લેવલ ઉંચાઇનું ઈરાન અને અફઘાનિસ્તાન બોર્ડરે છે.

હાલમાં દરીયાલેવલનો ટ્રફ દક્ષિણ પંજાબથી હરિયાણા અને પશ્ચિમ યુપી ત્યાંથી બે ફાડા પડે છે. એક પૂર્વ તરફ (જે હિમાલયની તળેટી અને ત્યાંથી આસામને નાગાલેન્ડ બાજુ) બીજો ફાટો ઉત્તર પશ્ચિમ બિહારથી ઉત્તર પૂર્વ બંગાળની ખાડી સુધી જાય છે. (વાયા ઝારખંડ અને પશ્ચિમ બંગાળ).

એક સામાન્ય અપરએર સાયકલોનીક સરકયુલેશન દક્ષિણ ગુજરાત અને તેના આસપાસના વિસ્તારમાં છે. ૩.૧ કિ.મી.થી ૪.૫ કિ.મી. અને નબળુ ઓફસોરટ્રફ કર્ણાટકના દરિયાકિનારાથી કેરળના દરિયાકિનારા સુધી છે.

સૌરાષ્ટ્ર - કચ્છ ઉત્તર ગુજરાતમાં કોઈ નોંધપાત્ર વરસાદ થયો નથી. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગત આગાહીના શરૂઆતના દિવસોમાં પડી ગયા બાદ વરસાદ પડ્યો નથી.

સૌરાષ્ટ્ર - કચ્છની પરિસ્થિતિ ૫૧% ઘટ છે. સરેરાશ વરસાદ અત્યાર સુધી ૧૫૫ મી.મી. થવો જોઈએ તેની સામે ૭૬ મી.મી. છે. (વાયુ વરસાદ) તેની સામે ગુજરાત રીજનમાં અત્યાર સુધી ૨૩૦ મી.મી. વરસાદ થયો છે. જેમાં ૮% ઘટ છે.

તા.૧૨ થી ૧૯ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર - કચ્છ - ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કોઈ નોંધપાત્ર વરસાદની શકયતા નથી.

જયારે દક્ષિણ ગુજરાતમાં ઝાપટા - હળવો મધ્યમ વરસાદ કોઈ કોઈ દિવસે પડી જાય.

લોકોએ ગેરમાર્ગે ન દોરાવું

આનંદો.... ગુરૂવારથી મેઘરાજા બેસુમાર વરસશે : આ સમાચાર ખોટા છે : અશોકભાઈ પટેલ

રાજકોટ : હાલમાં વરસાદની કોઈ શકયતા નથી. દરમિયાન ''આનંદો.... ગુરૂવારથી મેઘરાજા બેસુમાર વરસશે'' તેવા હેડીંગવાળા વોટ્સએપ ઉપર મેસેજ વાયરલ થઈ રહ્યા છે. જે ૧૧ જુલાઈ ૨૦૧૧ના સમાચાર છે જેથી આવા મેસેજીસ લોકોએ ધ્યાને ન લેવા વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

(3:35 pm IST)