રાજકોટ
News of Friday, 12th July 2019

ન્યારામાં મંગળવારે ગુરૂપૂર્ણીમાં ઉત્સવ ધામધુમથી ઉજવાશે

ગુરૂદેવની પધરામણીની સુવર્ણ જયંતિનો સુભગ સમન્વય : પૂજન અર્ચન, ચરણ પાદુકા સ્પર્શ દર્શન, મહાપ્રસાદનું આયોજન

રાજકોટ તા. ૧૨ : ખોબા જેવડા ગામ ન્યારાને સંત શિરોમણી પૂ. શ્રી રણછોડદાસજી બાપુની પધરામણીએ નંદનવન સમુ રળીયામણું બનાવી દીધુ છે. ત્યારે ન્યારા ધ્યાન મંદિરમાં તા. ૧૬ ના મંગળવારે પ્રતિવર્ષની જેમ ગુરૂપૂર્ણીમાં મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન થયુ છે.

આ આયોજન ટાંકણે જ સંતશીરોમણી ગુરૂદેવ પરમાત્માની પ્રથમ વખત જ થયેલી પુનિત પધરામણીની સુવર્ણજયંતિનો રળિયામણો અવસર છે. ન્યારા તેમજ આસપાસના ગામના લોકો સદ્દગુરૂ પરમાત્માને આસ્થા અને ઉમંગભેર વધાવવા થનગની રહ્યાનું સદ્દગુરૂ ધ્યાન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે.

આયોજન માટે તડામાર તૈયારીઓ આરંભવામાં આવી છે. મંગળવારે સવારે ૬ વાગ્યે પ્રાતઃ કાલીન આરતી, બાદ પૂ. શ્રી ગુરૂદેવનું પૂજન અર્ચન, મંદિરના પટાંગણમાં રામધૂન અને ભજન કિર્તન તેમજ સવારે ૧૧.૩૦ વાગ્યાથી ર.૩૦ વાગ્યા સુધી સદ્દગુરૂ મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ છે. સવારથી ચરણ પાદુકા સ્પર્શ દર્શનાર્થે મુકાશે. મંગલકર્તા રક્ષાદોરીનું વિતરણ કરાશે.

પ્રતિવર્ષ રાજકોટવાસીઓ પણ ન્યારામાં મોટી સંખ્યામાં દર્શનાર્થે પધારે છે.

દરમિયાન સંતશિરોમણી પૂ. શ્રી રણછોડદાસજી મહારાજ કોટડાસાંગાણી થઇને ન્યારા પધાર્યા અને સૌરાષ્ટ્ર કાઠીયાવાડમાં પ્રથમ પગલા કર્યા એ ઐતિહાસીક મંગલાચરણના અનેરા અવસરની સુવર્ણ જયંતિને અનુલક્ષીને મહામંડલેશ્વર પૂ. શ્રી હરીચરણદાસજી મહારાજના સાનિધ્યમાં શ્રીરામ મહાયજ્ઞનું અનુપમ આયોજન નિશ્ચિત કરવામાં આવ્યુ છે. જે માટે શુભદિન હવે પછી સુનિશ્ચિત કરાશે.

ગુરૂપુર્ણિમા મહોત્સવમાં ભાવિક ભકતોએ પધારવા અને દર્શન - મહાપ્રસાદનો લાભ લેવા ટ્રસ્ટીઓએ અનુરોધ કરેલ છે.

ન્યારા મંદિરના વરીષ્ઠ ટ્રસ્ટી શ્રી જીતુભાઇ ચતવાણીનું દુઃખદ અવસાન થતા ગુરૂભાઇઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

(3:34 pm IST)