રાજકોટ
News of Friday, 12th July 2019

કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાંથી ધો-૧૦ની છાત્રા ગૂમઃ અપહરણનો ગુનો

૮મીએ સવારે શાળાએ ગયા બાદ પાછી જ ન આવીઃ આજીડેમ પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૧૨: કોઠારીયા સોલવન્ટ  વિસ્તારમાં રહેતી અને ધોરણ-૧૦માં અભ્યાસ કરતી ૧૪ વર્ષ ૧૧ માસની સગીરા ગાયબ ત્રણ દિવસ પહેલા ગાયબ થતાં શોધખોળ બાદ પોલીસને જાણ કરવામાં આવતાં સગીર ગૂમ થવાના કિસ્સામાં પોલીસે તાકીદે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે આજીડેમ પોલીસે બાળાના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધ્યો છે. તેમને સંતાનમાં ચાર દિકરી  અને એક દિકરો છે. જેમાં ત્રીજા નંબરની દિકરી ૮મીએ સવારે પોણા સાતેક વાગ્યે શાળાએ જવા માટે નીકળી હતી. બપોરે એક વાગ્યે સ્કૂલ છુટ્યા પછી પણ ન આવતાં સ્કૂલે જઇ તપાસ કરતાં ત્યાં પહોંચી જ ન હોવાનું વર્ગ શિક્ષક મારફત જાણવા મળતાં ઠેર-ઠેર શોધખોળ શરૂ કરી હતી.આમ છતાં પત્તો ન મળતાં પોલીસને જાણ કરાઇ હતી. ઇન્ચાર્જ પી.આઇ. એમ. જે. રાઠોડ અને સ્ટાફે અજાણ્યા શખ્સ સામે બાળાને લલચાવી ફોસલાવી અપહરણ કરી જવા સબબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બાળા વિશે કોઇને માહિતી હોય તો આજીડેમ પોલીસનો ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:22 pm IST)