આજીડેમ ચોકડીથી હુડકો ચોકડી વચ્ચે બાઇક અને રિક્ષા અથડતાં ત્રણ ઘવાયા
આજીડેમ પાસે રહેતાં માલદે મકવાણા અને માસીયાઇ ભાઇ વિપુલ ઢોસો ખાવા નીકળ્યા ને અકસ્માત નડ્યોઃ રિક્ષાના એક મુસાફરને પણ ઇજા
રાજકોટ તા. ૧૨: આજીડેમ ચોકડીથી હુડકો ચોકડી વચ્ચેના રસ્તા પર રાત્રીના નવેક વાગ્ય બાઇક અને રિક્ષા સામ-સામે અથડાતાં બાઇકસ્વાર બે માસીયાઇ ભાઇ અને રિક્ષાના એક મુસાફરને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં એક કોળી યુવાનને ગંભીર ઇજા પહોંચી છે.
જાણવા મળ્યા મુજબ આજીડેમ ચોકડી પાસે આંબેડકરનગરમાં રહેતો અને શો રૂમમાં નોકરી કરતો માલદે ચંદુભાઇ મકવાણા (કોળી) (ઉ.૨૫) રાત્રે કામેથી ઘરે આવ્યો ત્યારે રસોઇ બનવામાં વાર હોઇ ભુખ લાગી હોઇ પોતાના માસીયાઇ ભાઇ વિપુલ શીવાભાઇ મકવાણા (ઉ.૧૯)ની સાથે બાઇકમાં બેસી હુડકો ચોકડી તરફ ઢોસા ખાવા જવા નીકળ્યો ત્યારે રસ્તામાં સામેથી રિક્ષા અથડાતાં બંને ફંગોળાઇ જતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
જ્યારે રિક્ષાનો ચાલક રિક્ષા મુકી ભાગી ગયો હતો. તેમાં બેઠેલા સુરતના ભુપતભાઇ ભટ્ટીને પણ ઇજા થતાં તેણે પ્રાથમિક સારવાર લીધી હતી. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે આજીડેમ પોલીસને જાણ કરી હતી.