રાજકોટ
News of Thursday, 12th July 2018

લાખેણો પગાર લેતા વોર્ડ ઓફિસરોને તેઓની ફરજ યાદ અપાવવા ખાસ બેઠક બોલાવતા ઉદય કાનગડ

ધોળા હાથી સમાન વોર્ડ ઓફિસરોને કામધંધે લગાડવા સ્ટેન્ડીંગ ચેરમેનનું આયોજન

રાજકોટ, તા. ૧૨ :. પૂર્વ મ્યુ. કમિશ્નર વિજય નેહરાએ નાગરીકોને કોર્પોરેશન કચેરી સુધી ધક્કો ખાવો ન પડે તે માટે વોર્ડ કક્ષાએથી જ તમામ પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય તેવા શુભ હેતુથી ૧૮ જેટલા વોર્ડ ઓફિસરોની નવી જગ્યા ઉભી કરી તેઓની નિમણૂક કરાઈ હતી. જે પૈકી ૧૩ વોર્ડ ઓફિસર હાલમાં કાયમી થઈ ગયા છે પરંતુ આમ છતા પૂર્વ કમિશ્નર વિજય નેહરાની જે કલ્પના હતી તે ફળીભૂત થઈ નથી અને વોર્ડ કક્ષાએથી નાગરીકોના પ્રશ્નો હલ થતા નથી તેની પાછળ વોર્ડ ઓફિસરો અને મુખ્ય કચેરી વચ્ચે સંકલનનો અભાવ હોવાની પ્રતિતિ વર્તમાન સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઈ કાનગડને વન ડે થ્રી વોર્ડ... સ્વચ્છ અભિયાન દરમિયાન થતા તેઓએ તમામ વોર્ડ ઓફિસરોની એક તાકીદની બેઠક બોલાવી છે જેમા તમામ વોર્ડ ઓફિસરોને તેઓની જવાબદારી અને ફરજનુ ભાન કરાવવામાં આવશે.

આ અંગે ઉદયભાઈ કાનગડે જણાવ્યુ હતુ કે, મોટાભાગના વોર્ડ ઓફિસરોને તેઓની કામગીરી શું છે ? તેનો ખ્યાલ નહીં હોવાનુ અને કેટલાક વોર્ડ ઓફિસરો કોર્પોરેટરોને પણ જવાબ દેતા નહી હોવાની ફરીયાદો મળી હતી. આ વોર્ડ ઓફિસરોની નિમણૂક એટલા માટે કરવામાં આવી છે કે, સામાન્ય નાગરીકના તમામ પ્રશ્નોનું નિરાકરણ તેઓની વોર્ડ ઓફિસમાં જ થઈ જાય પરંતુ હાલમાં આવી કોઈ નક્કર વ્યવસ્થા જોવા મળતી નથી.

શ્રી કાનગડે આ વોર્ડ ઓફિસરોની નિમણૂક વખતે તેઓને સોંપાયેલ ફરજ (જોબ ચાર્ટ) અંગે વિગતો આપતા જણાવેલ કે, વોર્ડ ઓફિસરોએ તેઓના વોર્ડમાં કોર્પોરેશનની દરેક સેવાઓનું સુપરવિઝન કરવાનું રહે છે અને અઠવાડીયામાં બે દિવસ વોર્ડ ઓફિસરે તેઓના વોર્ડની ફેરણી કરી નાગરીકોની ફરીયાદ સાંભળવાની રહે છે. જરૂર પડયે સફાઈ સહિતની કામગીરીનુ ઓચિંતુ ચેકીંગ કરવાનું રહે છે. રોગચાળો, પ્રદુષણ, રખડુ ઢોર, ટ્રાફીક સમસ્યા આ તમામ બાબતોના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું રહે છે.

આ ઉપરાંત વોર્ડમાં રસ્તા, ગટર, ડ્રેનેજ, વોંકળાની સફાઈ, પાણી વિતરણ, સ્ટ્રીટલાઈટની ફરીયાદોનો નિકાલ, ગેરકાયદે બાંધકામોનુ ચેકીંગ અને વોર્ડ કક્ષાએ અપાતી સેવાઓ પુરી પાડવાની ફરજ વોર્ડ ઓફિસરોની રહે છે. તેમજ તમામ ફરીયાદોના રજીસ્ટરની નિભાવણી કરવાની રહે છે.

આમ વોર્ડ ઓફિસરને તેના વોર્ડના તમામ પ્રશ્નો ઉકેલવાની જવાબદારી છે, પરંતુ હાલમાં મોટાભાગના વોર્ડમાં સંકલનનો અભાવ જોવા મળે છે. તેથી આજે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઈ કાનગડે તમામ વોર્ડ ઓફિસરોની મીટીંગ બોલાવી છે અને તેમા તમામ વોર્ડ ઓફિસરોને તેઓની જવાબદારી યાદ અપાવવામાં આવશે અને તે મુજબ વોર્ડ કક્ષાએ કામગીરી શરૂ કરવા સૂચનાઓ અપાશે.

નોંધનીય છે કે, વોર્ડ ઓફિસરોનુ પગાર ધોરણ ૪૫૦૦૦ થી માંડી ૧ લાખ સુધીનુ છે, ત્યારે આ વોર્ડ ઓફિસરોની નિમણૂક થઈ તે વખતે તેઓને ધોળા હાથી સમાન ગણાવવામાં આવી રહ્યા હતા પરંતુ જો ખરેખર તેઓ ફરજ મુજબ કામગીરી કરે તો પ્રજા માટે અને તંત્ર માટે આ વોર્ડ ઓફિસરો ગૌરવરૂપ બની શકે તેમ છે. આથી સ્ટેન્ડીંગ ચેરમેને આ ઓફિસરો સાથે સંવાદ સાધવા આ મીટીંગનુ આયોજન કર્યુ હોવાનું જાણવા મળેલ છે.(૨-૨૪)

(4:28 pm IST)